ગત શુક્રવારે કરેલ કાર્યવાહીમાં નખત્રાણાના બે જ્વેલર્સમાથી હોલમાર્ક વિનાના દાગીના ઝડપી પાડવામાં આવ્યા
કોઈ પણ સોનાના દાગીના તેમજ સુવર્ણકૃતિ પર હોલમાર્ક વિના વેચવાની મનાઇ ફરમાવતો નિયમ ગત માર્ચ મહિનાના અંતથી અમલમાં આવેલ હતો. જો કોઇ સુવર્ણકાર હોલમાર્ક વિના દાગીનાનું વેચાણ કરે તો તેને કાયદેસર અપરાધ માનવામાં આવશે તેવો આદેશ જારી કરવામાં આવેલ હોવા છતાં પણ નખત્રાણામાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ખાનગી રાહે બાતમી મળતાં ભારતીય માનક બ્યૂરો દ્વારા રેઇડ મારવામાં આવેલ હતી જેમાં બે જ્વેલર્સના શોરૂમમાંથી હોલમાર્ક વિનાના દાગીના ઝડપી પાડવામાં આવ્યા હતા.
નગરમાં હોલમાર્ક વગરના સુવર્ણ આભૂષણોનું વેચાણ થઇ રહ્યું છે તેવી બાતમી મળતાં ગત શુક્રવારે રાજકોટની આવેલી ભારતીય માનક બ્યૂરોની બે ટીમે ગામના જ્વેલરી શો રૂમોમાં છાપો માર્યો હતો જેને પગલે દુકાનો બંધ થવા લાગી હતી. આ કાર્યવાહી દરમિયાન મુખ્ય બજારમાં આવેલી મે. સોની મોહનલાલ પ્રાગજી એન્ડ કંપનીની દુકાનમાંથી તેમજ ચૈતન્ય હનુમાન ચોક, દેવકી નગરમાં આવેલી મે. કિશોર લખમશી સોનીમાં હોલમાર્ક વિનાના દાગીના ઝડપી પાડવામાં આવ્યા હતા. માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા દાગીના જપ્ત કર્યા બાદ આ બંને જ્વેલર્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
31 માર્ચથી જારી કરવામાં આવેલ હોલ માર્કિંગ આદેશ પ્રમાણે કોઇપણ વ્યક્તિને સોનાના આભૂષણ અને કૃતિઓ હોલમાર્ક વગર વેચવા કે પ્રદર્શિત કરવાની મનાઇ કરવામાં આવેલ છે જેના ઉલ્લંઘન બદલ બે વર્ષની જેલ અથવા ઓછામા ઓછો બે લાખ રૂપિયાનો દંડ અથવા તો બંને સજા ફટકારવાની કાયદામાં જોગવાઇ કરવામાં આવેલ છે તેમ માનક બ્યૂરોના વૈજ્ઞાનિક-ઇ અને પ્રમુખ પારિજાત શુક્લા દ્વારા પાઠવવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવેલ હતું.