ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇમાંથી 2.54 લાખના દારૂ સહિત બે શખ્સ ઝડપાયા : એક ફરાર

copy image

ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇ (ગોકુળગામ) નજીક એક ખેતરમાંથી પોલીસે રૂા. 2,54,400ના શરાબ સાથે બે શખ્સની ધરપકડ કરી હતા, જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.  નાની ચીરઇની ઉત્તર દીશા તરફ લાલમોરા સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં દારૂનું કટિંગ ચાલુ હોવાની પૂર્વ બાતમીના પગલે પોલીસની એક ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. અહીં જુદા જુદા વાહનોમાં બાલ્દી મૂકી તેમાં ભૂસાની આડમાં દારૂની બોટલોની હેરાફેરી કરવાની હતી, પરંતુ તે પૂર્વે પોલીસ અહીં આવી જતાં બુટલેગરોના ઈરાદા પર પાણી ફરી વળ્યું હતું. બાતમી વાળા સ્થળેથી પોલીસે પલાંસવાના રણમલ ભલા ભરવાડ તથા મૂળ રાજસ્થાનના હાલે નાની ચીરઇ રહેતા હિંદુ ચેતન પરમાર નામના શખ્સોને ઝડપી પાડયા હતા, જ્યારે માલ મગાવનાર નાની ચીરઇનો હરિ ભારા બાલાસરા નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અહીં ઊભેલી બોલેરો ગાડી નં. જી.જે. 12-એ.ઝેડ. 2096 તથા કાર નંબર જી.જે. 18-બી.બી. 8018માં વાદળી, સફેદ રંગની બાવન બાલ્દી ભરવામાં આવેલ હતી જેમાં ભૂસો ભરી તેમાં દારૂની બોટલો ગોઠવવામાં આવેલ હતી. પોલીસે ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન 750 એમ.એલ.ની 300, રોયલ ચેલેન્જની 131, ઇમ્પિરિયલ બ્લૂ રિઝર્વની 94 એમ કુલ્લ 621 બોટલ કિંમત રૂા. 2,54,400નો શરાબ કબ્જે કર્યો હતો. અહીંથી દારૂ, ચાર વાહનો, મોબાઇલ વગેરે મળીને કુલ્લ રૂા. 11,47,000નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. હાથમાં ન આવેલા શખ્સને ઝડપી પાડવા પોલીસે આગળની કાર્યવાહી આદરી છે.