ગાંધીધામ પાલિકાના ઠેકેદારને માર મરાતાં પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
ગાંધીધામ શહેરના સેક્ટર-1 વિસ્તારમાં નગરપાલિકાના ઠેકેદાર તબીબ પર હુમલો થતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. શહેરના શકિતનગરમાં રહેનાર ડો. કિશોરકુમાર જયમલદાસ માહેશ્વરીએ મોડર્ન શાળા નજીક રહેતા રહુલ ભાટિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. નગરપાલિકાના ઠેકેદાર એવા આ વૃદ્ધ ફરિયાદી ગત દિવસે રાત્રે સેક્ટર-1માં પોતાના દોસ્ત હરેશ વિધાણીના ઘરે ગયેલ હતા, ત્યાંથી જમીને આ ફરિયાદી બહાર આવતાં આરોપી ત્યાં કાર લઇને આવેલ હતો અને તમે બધા નગરપાલિકાના ચોર કોન્ટ્રાક્ટર છો તેમ કહી ગાળો આપી આક્રમક થઇ ફરિયાદીને માર માર્યો હતો. રાડારાડના પગલે અન્ય લોકો આવી જતાં વૃદ્ધને વધુ મારમાંથી બચાવી લેવાયો હતો. ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. પોલીસે આ બનાવ બાબતે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
