કચ્છના યુયકે `રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા’નો ખિતાબ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું

ગોવામાં આવેલ બોગમલો બીચ ખાતે યોજવામાં આવેલ `રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા-2023ની સ્પર્ધાની 19મી આવૃત્તિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી દિવ્યાંગ એવા કચ્છના ખટિયા ગામના 32 વર્ષીય ચેતન નારાણભાઈ જાજાણીએ ખિતાબ હાસિલ કર્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ક્રમિક યાદવ પછી તે બીજી વ્યક્તિ છે. તે હાલમાં કર્ણાટકના મેંગ્લોર સ્થિત કશાર્પ ફિટનેસમાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. બે વર્ષની ઉમરે ચેતનને પોલિયોની અસર થઈ ગયેલ હતી. શિક્ષણ પૂરું કરી એથ્લેટિક્સ ગેમ્સ અને પેરા પાવરલિફ્ટિંગ જેવી રમતોમાં ભાગ લઈ રાજ્યસ્તરે મેડલ પ્રાપ્ત કર્યા હતા. મળેલ માહિતી અનુસાર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા 32 સ્પર્ધકમાંથી તે એકમાત્ર હતા કે જેણે વ્હીલચેર પર ઓડિશન, ઈન્ટરવ્યૂ, ફિટનેસ જેવા જુદા-જુદા રાઉન્ડ પૂર્ણ કરી આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. `રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા’ ટાઈટલ એ એક જવાબદારી છે તેથી વિકલાંગતા ધરાવતા લોકોના શિક્ષણ અને ઉછેરના ક્ષેત્રમાં કામ કરવા તેમજ તેમને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ કરશે તેમ જાણવા મળ્યું હતું. વર્ષ 2022માં મિસ્ટર કેબેલેરો યુનિવર્સલ સ્પર્ધા, તો મોસ્ટ ઈન્સ્પિરેશન પર્સનાલિટી ટાઈટલ-2023 પર પણ વિજય પ્રાપ્ત કરી હતી.