આદિપુરના યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

આદિપુર ખાતે આવેલ ચારવાળી વિસ્તારમાં એક યુવાનને પાઇપ વડે તેમજ પટ્ટા વડે માર મારી ત્રણ ઈશમોએ રોકડ રૂા. 7000ની લૂંટ મચાવી હતી. આદિપુર શહેરના ડીસીએક્સ-ચારવાળી વિસ્તારમાં રહેતા તેમજ કાસેઝની હરીશ નામની કંપનીમાં કામ કરનાર ગણેશકુમાર ચંદ્રદેવ સાવ નામના યુવક દ્વારા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ ફરિયાદી ગત તા. 15/8ના રાત્રિ પાળી કરી ઘરે પરત આવ્યો હતો. બાદમાં ફરિયાદીની મોટી બાને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદી પાસેથી હાથ ઉછીના પૈસા માગ્યા હતા. ફરિયાદી રાત્રે 8.30ના અરસામાં પોતાની પાસે રહેલા રૂા. 7000  લઇ પોતાની મોટી બાને આપવા તેનાં ઘરે જઇ રહ્યો હતો, તે તેમના દરવાજા નજીક પહોંચતાં અનુ ભેડવાલ, રાહુલ મદન હંસ અને હરેશ કંડારા નામના શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આ શખ્સોએ ફરિયાદીને માર માર્યો હતો અને ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂા. 7000  ઝૂંટવી લીધા હતા. તેને રોકવા જતાં સમયે ફરિયાદી  પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, બાદમાં તેને બેલ્ટ વડે માર માર્યો હતો. આ ફરિયાદી ઘરે દોડી ગયો હતો અને પોતાના માતા-પિતાને વાત કરી હતી, ત્યારે થોડીવાર બાદ આરોપીઓ ફરિયાદીનાં ઘરે આવી પોલીસ કેસ કર્યો તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. ફરિયાદીને   ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ  હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.