ભુજ ખાતે આવેલ જનરલ ઇન્સ્યોરન્સનો દાવા પતાવટ વિભાગ ગાંધીધામ ખસેડવામાં આવ્યો

ભારત સરકારની મોટી જનરલ ઇન્સ્યોરન્સ કંપની-ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ ભુજ ખાતેથી તેના સૌથી મોટા દાવા પતાવટ વિભાગનો સંકેલો કરી લઇ ગાંધીધામ ખેડવામાં આવતા પશ્ચિમ કચ્છના ગ્રાહકોને ભારે હાલાકી થવાની સંભાવના થઇ  રહી છે. અગ્રણી આર. સી. શાહ દ્વારા મળતી માહિતી અનુસાર ભુજ એ કચ્છનું પાટનગર હોવા છતાં તેના એજન્ટો, વિમાધારકોને નાના-નાના માર્ગ અકસ્માત કે અન્ય દાવા બાબતે હવે કોઇ ઉત્તર આપવામાં આવતો નથી. તમામને ગાંધીધામ કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. કચ્છ વિશાળ જિલ્લો હોવાથી પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, નલિયા, દયાપરના ગ્રાહકોને ભુજ સગવડતાપૂર્ણ હતું, પણ હવે ગાંધીધામ ઘણું દૂર અને અગવડતાભર્યું બની રહેશે એવી ફરિયાદો ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની અહીંની કચેરીના વહીવટ સામે છે. મેનેજર ગાંધીધામથી અનિયમિત આવે છે અને કોઇ વહીવટી અધિકારીના અભાવે સંતોષકારક જવાબ મળી શકતો નથી ત્યારે આ પ્રશ્ન ભુજ ચેમ્બર ઓફ કોમર્સે ઉપાડી લેવો જોઇએ, તેવું શ્રી શાહ સાહેબ દ્વારા જાણવા મળ્યું હતું.