ગાંધીધામ ખાતે આવેલ ગુરુકુળ વિસ્તારમાં દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં 22 લાખનું નુકશાન : સદભાગ્યે કોઈ જાનહાની નહીં
ગાંધીધામના વોર્ડ ડીસી-બે ગુરુકુળ પાસે સમર્પણ-1 બિલ્ડિંગમાં આવેલ એક દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં તમામ વસ્તુ સળગી ઉઠી હતી. આગના આ બનાવમાં રૂા. 22,20,000ની નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. ગત તા. 14/8ના બપોરના અરસામાં આ દુકાનમાં આગ ફાટી નીકળી હતી. સિલ્વર પેપરના રોલ બનાવતી આ કંપનીમાં આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી હતી. અચાનક લાગેલી આગ બાદ તેના પર કાબૂમાં મેળવવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો. પરંતુ જોતજોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ કાબૂમાં આવે તે પહેલાં દુકાનમાં રહેલા પેપર બનાવવાના બે ફોઇલ સ્લિટરી મશીન, લીનોવો કંપનીનું લેપટોપ, પ્રિન્ટર, એલ્યુમિનિયમ ફોઇલના મોટા રોલ, કાચો માલ, તૈયાર સિલ્વર પેપર, એલ્યુમિનિયમ સેકશન વગેરે નાશ પામ્યા હતા. સદભાગ્યે બનાવમાં કોઇ જાનહાનિ ન થઇ હોવાનું પોલીસ જાણવા મળ્યું હતું. આગના આ બનાવમાં રૂા. 22,20,000ની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ દુકાનમાં આગ કઈ રીતે લાગી હતી તે એફ.એસ.એલ.માંથી અભિપ્રાય આવ્યા બાદ સમી આવશે તેવું જાણવા મળ્યું હતું.