અબડાસા ખાતે આવેલ સાંઘીપુરમના સિનિયર ઈન્જિનીયર સાથે ફાસ્ટેગ રિચાર્જના બહાને 61 હજારની ઓનલાઈન ઠગાઈ : પોલીસે મથકે નોંધાઈ ફરિયાદ

અબડાસા ખાતે આવેલ સાંઘીપુરમના સિનિયર ઈન્જિનીયર સાથે ફાસ્ટેગ રિચાર્જ કરવાના બહાને એપ્રિલ માસમાં થયેલી રૂા. 61,500ની  ઓનલાઈન ઠગાઈની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.  આ અંગે આજે વાયોર પોલીસ મથકે સાંઘી પાવર પ્લાન્ટમાં સિનિયર ઈન્જિનીયર તરીકે કામ કરી રહ્યા સાંઘીપુરમના વરુણ લલિતકુમાર તિવારી દ્વારા ફરિયાદ નોધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 10/4/23ના કારનું ફાસ્ટેગ પૂરું થતાં ફરિયાદી ગૂગલ પર ફાસ્ટેગના ટોલ ફ્રી નંબર સર્ચ કરતા મળેલા નંબર પર વાત કરેલ હતી ત્યાર બાદ ફરિયાદીના ફોન પર લિંક મોકલવામાં આવેલ હતી અને તે ઓપન કરીને પરમિશન આપ્યા બાદ બીજા દિવસે બે ટ્રાન્ઝેક્શનમાં કુલ મળી રૂા. 61,500  ઓનલાઈન ઉપડી  જતાં એસબીઆઈ બેન્ક અને સાયબર પોર્ટલ પર કમ્પ્લેઈન કરાઈ હતી. આ કમ્પ્લેઈનની તપાસ હાથ ધરતા ફરિયાદીના ખાતામાંથી ઉપડેલા રૂા. 50,000 યુકો બેન્ક લુધિયાણા શાખામાં ખાતા ધારક મનપ્રિતસિંહ અજમેરસિંઘ સોલ્હા  અને રૂા. 11,500 ફેડરલ બેન્ક જાજપુર શાખાના ખાતાધારક માનસી અમર મહારાણામાં જમા થયેલ હોવાનું સામે આવ્યું હતું. તમામ હકીકત સામે આવતા તેઓએ ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી  આગળની વધુ તપાસ હાથ ધરી છે.