અબડાસા ખાતે આવેલ ઉસ્તિયા-નાંગિયાના તલાટી દ્વારા 11.56 લાખ પચાવી જતાં ફરિયાદ નોંધાઈ
copy image
અબડાસા ખાતે આવેલ ઉસ્તિયા અને નાંગિયા ગ્રામ પંચાયતના તલાટી-સહમંત્રીએ સરપંચ તથા અન્ય તલાટીઓની જાણ બહાર 15મા નાણાપંચના પાંચ ચેક અને નાંગિયા સ્વભંડોળના પાંચ ચેક એમ કુલ રૂા. 11,56,850 પોતાના ખાતાંમાં જમા કરાવી સરકારી નાણાં પોતે પચાવી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે નલિયા ક્ષેત્રના વિસ્તરણ અધિકારી-પંચાયત નિકુંજ હસમુખરાય ભટ્ટ દ્વારા નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ઉસ્તિયા તથા નાંગિયા ગ્રામ પંચાયતમાં તલાટી-સહમંત્રી તરીકે ફરજ બજાવતા પ્રશાંત મંગળપ્રસાદ પટેલએ તેની ફરજ દરમ્યાન સરપંચ તથા અન્ય તલાટી-સહમંત્રીઓને જાણ વિના તેઓની ફરઝી સહી કરી ખોટા ચેકો બનાવી પોતાના ખાતાંમાં જમા કરાવી દીધેલ હતા. મળેલ માહિતી મુજબ આરોપી પ્રશાંત જુદા જુદા ખાતા માથી કુલ 10 ચેકના રૂા. 11,56,850 પોતાના ખાતામાં જમા કરાવી સરકારી નાણાં પચાવી ગયેલ છે. નલિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.