લખપત ખાતે આવેલ નાની વિરાણીમાં ધીંગાણું થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગત રાત્રે લખપત ખાતે આવેલ નાની વિરાણી ગામમાં કુહાડી, સળિયા, ધોકા સાથે ધીંગાણુ થતાં ચાર શખ્સ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે નવ શખ્સ વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાવવામાં આવેલ  છે. મળેલ માહિતી અનુસાર ગત રાત્રે આઠ વાગ્યાના અરસામાં નાની વિરાણીના બસ સ્ટેશન નજીક દૂધના ભઠ્ઠા પાસે થયેલા આ ધીંગાણા બાબતે અબ્દુલ કરીમ હાજીમામદ જત દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવેલ છે.  નોંધાવેલ ફરિયાદ અનુસાર  ફરિયાદી તથા હુસેન હાજી સાલે જત દૂધના ભઠ્ઠા પર દૂધ આપવા ગયેલ હતા તે દરમીયાન ગામના મોસાળ પક્ષે હુસેન મીઠા જત, તેના ભાઈ કરીમ જેના હાથમાં કુહાડી અને રમધાન હુસેન જત જેના હાથમાં સળિયો હતો તેમજ અબ્દુલા હુસેન જત, મામદ હુસેન જત, અલી હુસેન જત અને મીઠા હાસમ જત જેના ચારેયનાં હાથમાં ધોકા હતા. રમધાન સાથે બે માસ પહેલા થયેલ બોલાચાલીનાં મનદુ:ખમાં બધા સાથે મળી ગેરકાયદે મંડળી રચી હુમલો કરવામાં આવતા ફરિયાદી તથા સાહેદ કાકાઈ ભાઈ હુસેનને ઈજા પહોંચાડી ઘાયલ કર્યા હોવાની વિગતો સામે આવેલ છે. તેમજ સામે પક્ષે આ જ બનાવને લઈને સામી ફરિયાદ અબ્દુલા હુસેન જતે નોંધાવેલ હતી, જેમાં આરોપી હુસેન હાજી સાલે તથા અબ્દુલ કરીમ હાજીમામદ અલી જત તેની પાસે આવી અબ્દુલે જણાવ્યું કે, તારો ભાઈ રમધાન મારી પત્નીને કેમ ફોન કરે છે તેમ કહી ધોકાથી ફરિયાદી તથા કાકા કરમ મીઠા જતને મારતાં ફરિયાદીને અને કાકા કરમને ઇજા પહોચડેલ હતી. બંને પક્ષોને ધ્યાનમાં રાખી પોલીસે સામસામે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.