વ્યક્તિગત લાભો, જાહેર મિલકતની જાળવણી, સામાજિક ઓડિટ અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વીરા ગામે તાજેતરમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાત્રીસભામાં કચ્છ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા વિવિધ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અગાઉના છેલ્લા ૧૦(દસ) દિવસ દરમિયાન સંબંધિત લાઈન ડીપાર્ટમેન્‍ટના અધિકારીશ્રીઓએ તેઓના વિભાગ હેઠળ આવતી સરકારશ્રીની વિવિધ વ્યક્તિગત યોજનાઓનો લાભ આપવાનો બાકી હોય તેવા લાભાર્થીઓના ફોર્મ/અરજીઓ મેળવી તેઓને લાભો/સહાય આપવાની કામગીરી કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોની કચેરીઓ દ્વારા ગામમાં જે પણ કાંઈ મિલ્કત આવેલ હોય જેવી કે ગામ તળાવ, ચેકડેમ, કેનાલ, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તા, અન્ય બાંધકામો વગેરેની સાફ સફાઈ તથા જરૂરી મેન્‍ટેનન્‍સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન સંબંધિત લાઈન ડીપાર્ટમેન્‍ટના અધિકારીશ્રી દ્વારા સરકારી કચેરીની ઓડીટ અંતર્ગત તપાસણી, સંબંધિત કામોની ગુણવત્તાની ચકાસણી જેવા કામો હાથ ધરવામાં આવ્યા હતા. સંતૃપ્તિ પહેલ અન્વયે રાત્રીસભાના આયોજન પૂર્વે જ ગામજનોના પ્રશ્નોનું નિવારણ આવે તે દિશામાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.
રાત્રીસભા કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોએ વીરા ગામે ઢોરની સંખ્યા મુજબ ગૌચર નીમ કરવા, નર્મદા કેનાલ પર પ્રોપર કવર પ્લગ કરવા, ગ્રામ્ય વિસ્તારના કાંઠાળ વિસ્તારના ગામોમાં સી.સી.ટી.વી નાખવા તેમજ આવા ગામોમાં સિક્યુરીટી હેતુ સ્થાનિક લોકોની નિમણુક કરવા, સિંચાઈના પ્રશ્નો બાબતે ચેકડેમ તેમજ દરિયાકાંઠે ડેમની કામગીરી થયેલી છે, પરતું સંપાદનના પ્રશ્ને પુરી થઇ શકી નથી તે બાબત, વીરાથી હટડી તેમજ વીરાથી જડિયા પીર રોડ બાબત, મનરેગાના કામો મંજુર થયા નથી તે બાબત, વીરા ગામે હરસિધ્ધિ માતા મંદિર પાયાની સુવિધાઓ વિકસાવવા બાબત, ગામે એસ.ટી બસ ચાલુ કરવા બાબત, ગામે તલાટી, નર્સ, શિક્ષકોની પુરતી નિમણુક કરવા બાબતેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવાના ઉમદા હેતુથી કલેક્ટરશ્રી દ્વારા સ્થળ ઉપર હાજર રહેલા અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પ્રશ્નના નિરાકરણ લાવવાનો યથાર્થ પ્રયત્ન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સફળતાપૂર્વક ગ્રામજનોની વચ્ચે રહી છેવાડાના માનવીને સરકારશ્રીની યોજનાઓનો ઘરે બેઠા લાભ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુને ફળીભૂત કરવા અર્થે જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરણાથી કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાત્રી સભાના કાર્યક્રમ પૂર્વે જ સરકારશ્રીની મહત્વની યોજનાઓ અંતર્ગત આધારકાર્ડના ૨૭ લાભાર્થી, પુરવઠા વિભાગની યોજનાઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અગ્રતા ધરાવતા કુંટુબમાં ૪૫ આરોગ્યને લગતી યોજનાઓઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ PM JAY કાર્ડનાં કુલ ૧૩૪ તથા આભાકાર્ડ અંતર્ગત ૩૩૧ સહિત વિવિધ યોજના અંતર્ગત કુલ ૪૬૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. ગામની સ્કુલ ડ્રોપ આઉટ થયેલ ૪ (ચાર) બાળકોનો વાલીસંપર્ક કરી પુન: પ્રવેશ અપાવેલ, ICDS ની કચેરી દ્વારા બાળકોના વજન, ઊંચાઈનું ક્રોસ વેરીફીકેશન, ૧૮ જેટલા બાળકોના આધારકાર્ડની કામગીરી કરી હતી. મામલતદાર કચેરીની ઈ-ધરા શાખા દ્વારા ૪ વારસાઈ તેમજ ૩ ક્ષતિ સુધારણીની કામગીરી કરી હતી, પશુપાલન વિભાગ દ્વારા વેક્સીનેશન તેમજ હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ “સંતૃપ્તી અભિયાન” અંતર્ગત ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામની મુલાકાત લઈ WHOLISTIC APPROACH સાથે ૪(ચાર) મુખ્ય સ્તંભમાં કામગીરી કરવામાં આવે છે. જેમાં વ્યક્તિગત લાભો, જાહેર મિલકતની જાળવણી, સામાજિક ઓડિટ અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.