અગાઉ થયેલ ઝઘડાનું મનદુ:ખ રાખી યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરાતા પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ દેવળિયા નાકા વિસ્તારમાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી એક શખ્સે યુવાન પર  છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી. ગંભીર ઇજાઓના પગલે યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ યુવાનને સારવાર  દરમીયાન એક શખ્સે રૂબરૂમાં આવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ બાબતે આદિપુરમાં રહેનાર જયદિપસિંહ બલભદ્રસિંહ ઝાલાએ ખંભરાના પરાક્રમસિંહ જાડેજા તથા ખેડોઇના શક્તિસિંહ અનુપસિંહ જાડેજા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી.

મળેલ માહિતી મુજબ ગત તા. 1-6નાં ફરિયાદી કામ અર્થે અંજાર ગયેલ હતો ત્યારે તેણે પરાક્રમસિંહને ફોન કરી વાંકાનેર ખાતે બોલાચાલી ઝઘડો હતો તેનું સમાધાન કરવા કહેતા આરોપી દેવળીયા નાકે હોવાથી ફરિયાદી ત્યાં પહોંચ્યો હતો. જ્યાં આ બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી. જેમાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ  હું શકિતસિંહનો માણસ છું શક્તિસિંહે તને પતાવી દેવાનો છે તેમ કહ્યું છે તેમ કહી છરી કાઢતા ફરિયાદી ત્યાંથી નાસવા જતાં આરોપીએ વાંસામાં છરી વડે ઘા માર્યો  હતો. ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે  તેને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. મળતી માહિતી મુજબ તે સારવારમાં હતો ત્યારે આરોપી શકિતસિંહ અનુપસિંહ જાડેજા ત્યાં આવી જાન થી મારી નાખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. પોલીસે આ જૂના બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ આદરી  છે.