ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરના એક વેપારી સાથે 25.60લાખની છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરમાં એક વેપારી સાથે રૂા. 25,60,360ની છેતરપિંડી થતાં દિલ્હીના બે વેપારી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ ભારત રેસીડેન્સીમાં રહેતા અને મીઠી રોહરમાં શ્યામ ટીમ્બર પ્રા. લિમિટેડ નામની કંપની ચલાવનાર પ્રવિણ શાંતીલાલ જેઠવા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના ભત્રીજા ભૂમિક વિનોદ જેઠવા મીઠી રોહર સીમમાં વંદના ટીમ્બર પ્રા. લિમિટેડ નામની કંપની ચલાવે છે. મીઠી રોહર સીમમાં ફરનિકો આઇ.એન.સી. નામની કંપનીની બ્રાન્ચમાં બેસતા અંકિત રાજેન્દ્ર અગ્રવાલ તેમજ રાજેન્દ્ર અગ્રવાલને ફરિયાદી અને તેમના ભત્રીજાએ વેંચાતા લાકડા આપેલ હતા. આ બંને શખ્સોએ શરૂઆતમાં ચૂકવણું કરી આપ્યું હતું, પરંતુ ત્યાર બાદ બાકીના રૂા. 25,60,360 ચુકવ્યા ન હતા. ઉપરાંત ફરિયાદીએ વારંવાર પૈસા માગવા છતાં પણ પૈસા ન આપાતા ફરિયાદીએ બ્રાન્ચમાં જઇ તપાસ કરતાં ત્યાં કોઇ મળ્યું ન હતું. જેથી આ અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ગત તા. 8-10-2021 થી 17-9-2023 દરમ્યાન બનેલ આ બનાવ બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.