જખૌ ગામમાં 20થી 22 ગામને સાંકળતાં આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી તબીબની ખાલી જગ્યાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે : વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
જખૌ ગામમાં 20થી 22 ગામને સાંકળતાં આરોગ્ય કેન્દ્રમાં કેટલાક વર્ષોથી તબીબની જગ્યા ખાલી હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંભીર સંજોગોમાં દર્દીને નલિયા કે ભુજ ધકો પડે છે. અહી કેન્દ્રમાં એમ.બી. બી. એસ. ડોક્ટર ન હોવાના કારણે હાલમાં આયુષ ડોક્ટરના ભરોસે કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. ગામમાં એક જ ખાનગી તબીબ કાર્યરત છે. સામાન્ય બીમારીને બાદ કરતાં તાકીદના સમયમાં દર્દી તથા પરિવારજનોને નલિયા કે ભુજ જવું પડે છે. આરોગ્ય કેન્દ્રમાં તબીબની ખાલી જગ્યા ભરવા બાબતે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી તેવી નારાજગી લોકોએ વ્યક્ત કરી છે. આ બાબતે વધુ મળતી માહિતી અનુસાર પંચરંગી વસતી ધરાવતાં જખૌ ગામના લોકો દ્વારા આરોગ્ય કેન્દ્રમાં તબીબની સત્વરે નિમણૂક થાય તેવી લોક માંગ ઉઠી છે.