અંજાર ખાતે આવેલ શ્રીમાળી કોલોનીમાં એક બંધ ઘરના તાળાં તોડી રૂા. 5.65 લાખની તસ્કરી થતાં ચકચાર

  અંજાર ખાતે આવેલ મારુતિ મેદાનના સામે આવેલ હનુમાન મંદિર નજીક શ્રીમાળી કોલોનીમાં એક બંધ ઘરના તાળાં તોડી રૂા. 5,65,935ની મતાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે રાજેન્દ્ર દવે દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે મળતી માહિતી મુજબ અંજારની શ્રીમાળી કોલોનીમાં એક મકાનમાં નિવૃત્ત જીવન ગાળતા રાજેન્દ્ર શાંતિલાલ દવે અને તેમના પત્ની મહિલા પ્રધાન નાની બચત યોજનાના એજન્ટ તરીકે કામ કરનાર ઇન્દુબેન રહે છે. ફરિયાદીના એક પુત્ર અમદાવાદ તેમજ એક પુત્ર લંડન રહે છે. ફરિયાદીના સાળાની વરસી પ્રસંગ હોવાના કારણે બંને જણ ગત તા. 23/9ના બસમાં બેસીને મોરબી ગયેલ હતા. ગત દિવસે રાતના 9 વાગ્યાના અરસામાં ઘરે પરત આવીને જોતાં તેમના બંધ મકાનના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા તેમજ અંદર સરસામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ઈશમોએ ઘરના તાળાં તોડી ઘરમાં ઘૂસીને કબાટમાંથી એક 7 તોલાની સોનાની ચેઇન, પાંચ તોલાની સોનાની મગમાળા, 1 તોલાની સોનાની આર લખેલી વીંટી, અડધા તોલાના સોનાના કાનના બુટિયા, કબાટમાં રાખેલા રોકડા રૂા. 85,000 તથા અંજાર શ્રીમાળી બ્રાહ્મણ મહિલા ગરબા મંડળના રોકડ રૂા. 95,935 એમ રોકડ રૂા. 2,95,935 તેમજ દાગીના એમ કુલ્લ રૂા. 5,65,935ની મતાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. ચોરીના આ બનાવથી ભારે ચકચાર ફેલાઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.