લખપતનાં અંતરિયાળ ગામોમાં પાણી ન પહોંચતા લોકો મુશ્કેલીમાં

લખપતમાં પાણી અંગેની મુશ્કેલીઓ સર્જાતા આસપાના ગામડાઓના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મળેલ માહીતી અનુસાર ભાડરા, આશાપર સહિતના ગામોમાં ત્રણ દિવસથી પાણી પહોંચ્યું નથી. પાણી પુરવઠા અધિકારીને ફોન કરતાં  અંજારથી પાણી ઓછું આવે છે તેવું કહી દેવામાં આવેલ છે. તેવું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જી.એમ.ડી.સી. માઇન્સમાં ચાલતી કંપનીઓ મોટર દ્વારા પુષ્કળ પાણી વચ્ચેથી લઇ લેતાં પાણી ભાડરા, આશાપર સુધી પહોંચી શકતું નથી. આ દરમ્યાન 11 દિવસ બાદ આસો નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાતથી આઠ લાખ લોકો માતાજીનાં દર્શને આવશે, સેવા કેમ્પોને દર વરસે પાણી પુરવઠા વિભાગ પીવાનું પાણી હંગામી ધોરણે આપવામાં આવતો હોય છે. તેથી જરૂરી બને છે કે, પાણીનો આ પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં આવે અન્યથા નવરાત્રિમાં માતાના મઢે પાણીની ગંભીર સમસ્યા ઊભી થશે. પાણીને લગતી સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ આવે તેવી લોક માંગ ઉઠી છે.