પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાંથી બિનવારસુ મોબાઇલ મળી આવતા ફરિયાદ નોંધાઈ
copy image

પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાંથી બિનવારસુ મોબાઇલ મળી આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં અમદાવાદની ઝડતી સ્કવોડની ટીમને બિનવારસુ મોબાઇલ મળી આવ્યો હતો. અમદાવાદ ઝડતી સ્કવોડ જેલર અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીની એક ટીમ ગળપાદર જિલ્લા જેલમાં આવી હતી. આ ટીમ દ્વારા જેલમાં ઝડતી ચકાસણી કરવામાં આવતા જેલના યાર્ડ બેરેક 9ની લોબીની દીવાલ અને પિલ્લર વચ્ચેના ખાંચાની અંદર પ્લાસ્ટિકમાં વીંટાળીને છૂપાવી રાખેલો મોબાઇલ મળી આવેલ હતો. આ મોબાઇલ બેટરી લાગેલી અને ચાલુ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. તેમાં સીમકાર્ડ જોવા મળ્યો ન હતો. આ મોબાઇલ જેલમાં કઈ રીતે પહોંચ્યો અને તેનો ઉપયોગ કોને તેમજ કયા કામમાં કરેલ છે, તે અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.