અંજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના પર્સમાંથી  1.30 લાખના દાગીનાની તસ્કરી થતાં ચકચાર

  અંજારમાં ખરીદી કરવા આવેલા મહિલાના પર્સમાંથી 1.30 લાખના દાગીનાની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ મામલે સોનીબેન રામા રબારી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળતી માહીતી અનુસાર મોડવદરમાં રહેતા ફરિયાદી ગત તા. 19/10ના સવારના અરસામાં તેમની બહેન ભસીબેનને ફોન કરેલ હતો અને પોતે કુકડસર ગામે ગોગા દાદાનાં દર્શને આવતા હોવાથી ફરિયાદીના દાગીના ત્યાં લઇ આવવા જણાવેલ હતું. જ્યાં ભસીબેને ફરિયાદીને તેમના દાગીના પરત આપી દીધા બાદ ફરિયાદી તથા તેમના બીજા બહેન અંજાર ખરીદી કરવા ગયેલ હતા. અંજાર શહેરની માલાશેરીમાં આવેલ  ક્રિષ્ણા બ્યૂટી શોપમાં ખરીદી કર્યા બાદમાં બાજુમાં આવેલી કટલેરીની દુકાનમાં આ મહિલાઓ ગયેલ હતા. તે દરમ્યાન ફરિયાદીને બોક્સ તથા તેમાં રહેલા દાગીના ગુમ હોવાનું જણાયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફરિયાદીની થેલીમાંથી ચાર તોલાનો સોનાનો હાર તથા અઢી તોલાની સોનાની હાંસળી એમ કુલ રૂા. 1,30,000ની દાગીનાની કોઇ ચોર ઈશમ તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.