કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં સિટી બસની સેવાને લાગ્યું સીએનજી નામનું ગ્રહણ

copy image

 

ગાંધીધામમાં લોકોને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરવામાં સરળતા રહે તે હેતુથી 12 જેટલી સિટી બસ ગાંધીધામ નગરપાલિકાને ફાળવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવીલ હતી, પરંતુ આ બસો સી.એન.જી. હોવાના કારણે તેમજ સ્થાનિકે કોઈ ગેસ સ્ટેશન ન હોવાથી ઘાટ કરતા ઘડામણ વધી જાય તેવું લાગી રહ્યું છે. પરીણામે હાલના સંજોગોમાં આ સુવિધાને ગ્રહણ લાગી ગયું છે. હાલના સમયમાં પેટ્રોલ, ડીઝલના ભાવ આકાશે પહોંચી રહ્યા છે. તેમાંય વળી ઉબડખાબડ રસ્તાથી લોકોને સમય, શક્તિ અને ઇંધણનો વ્યય થઇ રહ્યો છે.  ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકોને સરળતા રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ સુધરાઇને 12 જેટલી સિટી બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવેલ હતી. જેને પગલે ટુંક સમયમાં આ જોડિયા નગરમાં લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળવાની સંભાવના વ્યક્ત થઈ હતી. સરકાર દ્વારા 12 સિટી બસ ફાળવવા સંદર્ભે નગરપાલિકાના પ્રમુખ તેજસભાઇ શેઠ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા 12 સિટી બસ ફાળવવામાં આવી છે, પરંતુ આ બસો સી.એન.જી. આધારિત છે. જ્યારે સ્થાનિકે આવું કોઈ ગેસ સ્ટેશન ઉપલબ્ધ ન હોવાથી પરિણામે પેટ્રોલ અથવા ડીઝલ આધારિત બસ ફાળવવામાં આવે તેના માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં આ સેવા ઉપલબ્ધ થાય તો કારમી મોંઘવારીમાં પીસાતી પ્રજાને આંશિક રાહત થવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, વર્ષો પૂર્વે એસ.આર.સી. દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. પરંતુ પાછળથી આ સેવા બંધ થઈ ગયેલ હતી. જેથી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ શહેરમાં પુન: સિટી બસની સુવિધા શરૂ કરવા વિશેની જાહેરાત કરાઈ હતી, પરંતુ ઇચ્છાશક્તિનો અભાવ કે અન્ય કોઈ કારણસર સિટી બસ શરૂ થઈ શકી ન હતી. નગરપાલિકામાં પણ ત્રણથી ચાર વખત હોદેદારો બદલાઈ ગયા, છતાં પણ નાગરિકો મહત્વની સેવાથી વંચિત રહી ગયા છે.