નખત્રાણામાંથી વનવિભાગના ગોડાઉનમાંથી ગુના કામે કબ્જે કરવામાં આવેલ કુલ 48 હજારના પોલની તસ્કરી


નખત્રાણા ખાતે આવેલ રોહા સુમરીમાં વનવિભાગના ગોડાઉનમાંથી 48 હજારના ગુના કામે કબ્જે લેવાયેલા પોલની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ બનાવ ગત તા 31/12નો રોજ બન્યો હતો. આ મામલે છેલ્લા છ વર્ષથી ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા વસરામભાઈ સોમાજી પટેલ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર વનવિભાગનું રોહા સુમરી ખાતે ઘાસ ગોડાઉન જે દેશલપરથી નલીયા રોડ પર જતા રોહા ગામની ફાટક નજીક સ્થિત છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોડાઉનમાં ઘાસ તથા ગુનાકામે કબ્જે કરવામાં આવેલ મુદામાલ રાખવામા આવેલ હતો. હાલમાં આ ગોડાઉનમાં તા.02/07/2020ના નોંધાવવામાં આવેલ ગુના અંતર્ગત સીમેન્સ ગામેસા કંપનીના સબ કોન્ટ્રાક્ટર કડીવાર ઈલેક્ટ્રીક પ્રા.લિ પાસેથી નારણપર જંગલ વિસ્તારમાંથી હસ્તગત કરવામાં આવેલ અંદાજીત 20 ફુટ લંબાઈના લોખંડના હેવી પોલ નંગ-18 રાખવામા આવેલ હતા. ગત તા 22/12ના ચોકીદારે ચેક કરતા આ મુદામાલ બરાબર હતો પરંતુ ૩૧ ડિસેમ્બરના રોજ પાંચ વાગ્યાના અરસામાં આ પતરા ખસેલ હાલતમાં જણાયા હતા. આ અંગે જાણ થતાં વધુ તપાસ કરવામાં આવતા કુલ 48 હજાર રૂપિયાના છ પોલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.