અંજારની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અંજારની કિશોરી પર દુષ્કર્મ ગુજારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજારની સોસાયટીમાં રહેનાર એક કિશોરીને સોશિયલ મીડિયા થકી મિત્ર બનાવ્યા બાદ આરોપી શખ્સે તેને ડરાવી-ધમકાવી દુષ્કર્મ ગુજાર્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા 29-12 દરમ્યાન આ બનાવ બન્યો હતો. અંજારની એક સોસાયટીમાં રહેનાર અને શાળામાં અભ્યાસ કરનાર કિશોરીને અંજારના જ શખ્સે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મૂકી હતી. બાદમાં કિશોરી સાથે મિત્રતા કેળવી અને મેસેજ કરી રૂબરૂ મળવા માટે બોલાવી હતી. આ કિશોરીના માતા -પિતાના કાયદેસરના વાલીપણામાંથી કિશોરીને વારંવાર લઇ જઇ આ શખ્સે તેને ડરાવી-ધમકાવી હતી અને ત્યાર બાદ આ કિશોરી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ગાળાગાળી કરેલ હતી ઉપરાંત ભોગ બનનાર કિશોરીના માતા અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલી આ કિશોરીએ તેની માતાને જાણ કરી હતી. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે॰