મોટા બંદરામાં ગેરકાયદે થતી ખનીજ ચોરી પર પોલીસ ત્રાટકી : 5 ડમ્પર તેમજ 1 લોડર સહિતના સાધનો કબ્જે કરાયાં
copy image

કચ્છ જિલ્લામાં થઈ રહેલ બેફામ ખનિજચોરીને અટકાવવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે પદ્ધર પોલીસ દ્વારા મોટા બંદરામાં ગેરકાયદે રીતે ધમધમતી સફેદ પથ્થરની ખાણ પર સપાટો બોલાવી તમામ મુદ્દામાલ કબ્જે કારાયો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પદ્ધર પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોટા બંદરા સીમ વિસ્તારમાં પડદીની ખાણમાંથી ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા રેઇડ પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન હાજર શખ્સો પાસે ખનન બાબતે આધાર-પુરાવા માગતાં કોઇ રોયલ્ટી કે આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાયેલ પાંચ ડમ્પર તેમજ એક લોડર કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.