ગાંધીનગર ખાતે આવેલ લીહોડામાં દેશી દારૂ પીધા બાદ બેનાં મોત : શું લીહોડામાં થયો લઠ્ઠાકાંડ?

copy image

copy image

ગાંધીનગર ખાતે આવેલ લીહોડામાં ઝેરી-શંકાસ્પદ પીણુ પીધા બાદ બે લોકોના મોત તથા અન્ય સાત લોકોની તબીયત બગડી હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ લોકોએ પીધેલા પ્રવાહીનાં નમુના એફએસએલમાં મુકાયા હતા. તપાસ બાદ એવો દાવો કરાયો છે કે શંકાસ્પદ પ્રવાહીમાં મિથેનોલ ન હતું. એટલે લઠ્ઠાકાંડની શકયતા નથી.

ગાંધીનગર ખાતે આવેલ લીહોડા ગામમાં શંકાસ્પદ ઝેરી પીણુ પીવાથી બે લોકોના મોત નીપજયા અને વધુ ત્રણને હાલત ગંભીર હોવાનો ચકચારી મામલો સામે આવી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે આ ઘટનાને પગલે લઠ્ઠાકાંડની ચર્ચા ઉઠી હતી. વધુમાં સૂત્રોએ જણાવ્યા અનુસાર એફએસએલ રીપોર્ટમાં દેશી-દારૂમાં મિથેનોલ ન હોવાનું સિદ્ધ થતા લઠ્ઠાકાંડની વાત નકારાઈ છે.ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલ્સ લીહોડા ગામે પહોંચી આવી હતી અને દારૂ વેંચનારાઓની શોધખોળ હાથ ધરી હતી.

ગુજરાત રાજયમાં દારૂબંધી હોવા છતાં પણ છુટ્ટથી દારૂ વેંચાતો હોવાનું જગજાહેર છે. મળેલ માહિતી અનુસાર થોડા સમય પૂર્વે બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. હવે ગાંધીનગરનાં લીહોડા ગામે આવી ઘટના બન્યાની શંકા વ્યકત કરાઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે, દેશી દારૂ પીધા બાદ બે શખ્સોના મોત નીપજયા હતા જયારે અન્ય સાત લોકોની તબીયત લથડતા સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવાયા હતા.આ સાત પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે, મકર સંક્રાતિની રાત્રીએ આ લોકોએ દેશી દારૂ શંકાસ્પદ પ્રવાહી પીધુ હતું અને ત્યાર બાદથી જ અચાનક તબીયત લથડી હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ પ્રવાહીનાં નમુના લઈને પૃથ્થકરણ માટે ફોરેન્સીક લેબમાં મોકલવવામાં આવેલ હતા. અને વધુમાં, આ શંકાસ્પદ પીણુ પીનારા લોકોની શોધ શરૂ કરી દેવાઈ હતી. આ ઘટનામાં વધુ લોકોને સારવારની જરૂર જણાતાં 108 એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. હાલમાં, શંકાસ્પદ પ્રવાહી-દારૂના વધુ પડતા સેવન તથા અન્ય બિમારીઓને કારણે બન્ને વ્યક્તિઓના મોત થયા હોવાની સંભાવાના જાહેર કરાઈ છે.