ભચાઉમાં સામાન્ય મુદ્દે ચાર શખ્સોએ ત્રણ યુવાનો પર કર્યો પ્રાણઘાતક હથિયાર વડે હુમલો

ભચાઉમાં સામાન્ય મુદ્દે ચાર શખ્સોએ ત્રણ યુવાનો પર હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ભચાઉ તાલુકાના ઘરાણા ગામના યુવાને આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. પશુપાલન કરનાર આ યુવાન તેમજ તેના ભાઈ ગત તા. 13-1ના માલ ઢોર લઇને જઇ રહ્યા હતા. આ સમયે આ ત્રણેય યુવાનો ખરતરા વાંઢવાળા રસ્તે પ્રાથમિક શાળાથી આગળના ખેતર નજીક પહોંચતાં ત્યાં રસ્તામાં ગામના જ અન્ય ચાર શખ્સો પોતાના હાથમાં પ્રાણઘાતક હથિયાર લઇને ઊભા હતા. ત્યાર બાદમાં આ શખ્સોએ ત્રણ યુવાનોને રોકી આ માર્ગ પર તમે માલઢોર લઇને નીકળતા નહીં અને જો હવે નીકળ્યા તો મજા નહીં આવે તેમ કહી… ફરિયાદી સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ ગયેલા આ શખ્સોએ કુહાડી, પાઇપ, લાકડી, ધારિયા વડે હુમલો કરી દીધો હતો. જેમાં ફરિયાદી સહિત ત્રણેય યુવાનો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. પોલીસે આ અંગે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.