ગાંધીધામના એક રેસ્ટોરન્ટમાં બે કામદારે રેસ્ટોરન્ટની આવકમાંથી ઉચાપત કરી 12.50 લાખ પચાવી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ શહેરમાં ઓમ સિનેમા નજીક આવેલ એક રેસ્ટોરન્ટમાં કામ કરનાર બે કામદારે રેસ્ટોરન્ટની આવકમાંથી ઉચાપત કરી ભાગી જતાં બંને શખ્સ સામે રૂા. 12,50,000ના વિશ્વાસઘાત અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આ મામલે આદિપુરમાં રહેનાર ગાંધીધામ શહેરમાં ઓમ સિનેમા નજીક આવેલ સબ-વેન ફ્રેન્ચાઇઝી રેસ્ટોરન્ટના માલિક ઓમપ્રકાશ પરસરામ નાવાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 1/3/23ના ફરિયાદી પાસે બંને આરોપી શખ્સો આવેલ હતા અને પોતે બર્ગરસિંઘમાં નોકરી કરે છે જે બંધ થવાની હોવાથી નોકરીની અપીલ કરી હતી. બાદમા ફરિયાદીએ આ બંને શખ્સોને મૅનેજર તથા સુપરવાઇઝર તરીકે નોકરી પર રાખ્યા હતા. આ બંને શખ્સ રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને ફરિયાદીને વોટ્સએપ પર દરરોજનો હિસાબ આપતા હતા. ત્યાર બાદ તા. 25/12ના રોજ ફરિયાદી તેમના પત્ની રેસ્ટોરન્ટે ગયેલ હતા જ્યાં કૂકી બોક્સમાં પૈસા પડયા હતા, જ્યારે દુકાન બંધ કરી દેવામાં આવેલ હતી. આ અંગે શંકા જતાં આ બંને શખ્સની પૂછપરછ કરવામાં આવતા કઈ જ જવાબ આપ્યા ન હતા. બાદમાં ફરિયાદીએ નવેક મહિનાનો હિસાબ તપાસ કરતાં રૂા. 12 લાખની રકમનો તફાવત સામે આવ્યો હતો. ફરિયાદીએ બંને શખ્સોના બેંક ખાતાનું સ્ટેટમેન્ટ ચેક કરાવતા બંને બાદમાં ત્યાંથી ફરિયાદીની પત્નીનો મોબાઇલ લઇને નાસી છૂટ્યા હતા. આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસે મથકે 12,50,000ની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.