ચેન્નઈ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી શુભારંભ કરાયો

આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભુજ આકાશવાણીના ૨૦ કિલો વોટની ક્ષમતા સાથેના સામત્રા ખાતેના એફ.એમ ટ્રાન્સમિટરનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાયો હતો.

ભુજ એફ.એમ ટ્રાન્સમિટરની 20 કિલોવોટની ક્ષમતા થઇ જતા ટાવરની 200 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારના લોકો તેનો ટૂંક સમયમાં લાભ લઇ શકશે.

આજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, એફ.એમની ટ્રાન્સમિટરમાં કિલોવોટની ક્ષમતા વધતા તેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઇ શકશે અને પ્રસારભારતી અને આકાશવાણીના કાર્યક્રમોને માણી શકશે.

આ પહેલા ભુજ આકાશવાણી ના સામત્રા ટ્રાન્સમિટરમાંથી 5 કિલોવોટની ક્ષમતા સાથે પ્રસારણ થતું હતું, પ્રસારભારતી અને આકાશવાણીના કાર્યક્રમોનો વ્યાપ વધે તે માટે કેન્દ્રીય રાજ્ય દૂર સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ પ્રસારણ મંત્રીશ્રી અનુરાગ ઠાકુરને આ અંગે અંગત રજૂઆત કરી હતી. જેની ફળશ્રુતિ રૂપે 20 કિલોવોટની ક્ષમતા સાથે ટ્રાન્સમિટર કરવાની મંજૂરી પ્રદાન કરાઇ હતી. ૨૦ કિલોવોટની ક્ષમતા સાથે રેડિયો સ્ટેશન કાર્યરત થશે ત્યારે વિવિધ ભારતીના કાર્યક્રમોનું પ્રસારણ સ્પષ્ટ બનશે તથા આ ટાવરની 200 કિલોમીટરના એરિયલ ડિસ્ટન્સમાં આવતા લોકોને લાભ મળી રહેશે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓ સુધી પણ તેનો લાભ પહોંચી શકે છે. આ ટ્રાન્સમિટરથી વિવિધ ભારતીની 24 કલાક પ્રસારણ સેવા લોકો સાંભળી શકશે.

ઉલ્લેખનીય છે કે, ભૂકંપ પહેલા પાડોશી દેશના સાંસ્કૃતિક આક્રમણને ખાળવા અને સરહદી વિસ્તારમાં દૂરદર્શનની લોકપ્રિયતા વધારવા તથા પ્રસારસેવા વિકસાવવાના આશય સાથે સામત્રા ખાતે 100 ફૂટ ઉંચો તથા ભૂકંપપ્રતિરોધક ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. સમયાંતરે તેમાં વિવિધ સેવાનો ઉમેરો થતો ગયો.
આ તકે સાંસદ વિનોદ ચાવડાએ આકાશવાણી પરિવારને શુભેચ્છા પાઠવી હતી .

આજના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ કલેકટરશ્રી અમિત અરોરા, રાજકોટ આકાશવાણીના ડે.ડાયરેકટર પ્રવીણ ભંખોડીયા, સહાયક અભિયન્તા નિગમ ઉપાધ્યાય, હરીશ પટેલ, વિમલ ઉપાધ્યાય, આકાશવાણી ભુજના કાર્યક્રમ વિભાગના ભરત ચતવાણી, પીજીવીસીએલ સુપ્રિટેન્ડન્સ એન્જિનિયર જયમીન કષ્ટા, જયેશ રાવલ અને મનોજ સોની વગેરે ઉપસ્થિત રહ્યાં હતા .