કોઠારીયા ગામના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, રાજકોટના કોઠારીયા ગામમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવના ફરિયાદી કલર-હાર્ડવેરના વેપારી પરિવાર સાથે મુંબઈ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા અને પાછળથી તેમના ઘરમાંથી 67000ની મતાની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ મામલે કોઠારીયા ગામમાં રહેતા અને કોઠારીયા મેઇન રોડ પર પરીમલ પેઇન્ટ એન્ડ હાર્ડવેર નામની દુકાન ચલાવનાર પરીમલભાઈ ભરતકુમાર જીવરાજાની દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 19/1/2024ના બપોરના સમયે ફરિયાદી તથા તેમના માતા બંને મુંબઈ લગ્ન પ્રસંગે ગયેલ હતા. ત્યાર બાદ ગત તા. 24/1/2024 ના રોજ બપોરના સમયે ઘરે પરત આવીને જોતા મકાનના દરવાજાના તાળાં અને નકુચા તૂટેલી હાલતમાં જણાયા હતા. ઉપરાંત ઘરમાં તમામ સામાન વેર વીખેર હાલતમાં જોવા મળ્યો હતો અને રૂમમાં રાખેલ લોખંડની બંને તીજુરીના લોક તૂટેલ જણાયા હતા.જાણવા મળી રહ્યું છે કે ચોર ઈશમો આ ઘરમાથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.67000ની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.