ગાંધીધામ ખાતે કચ્છના અન્સારી માસરા સમાજની વાર્ષિક બેઠક અને સમાજના વિવિધ વર્ગોના અભ્યાસ કરતા તેજસ્વી બાળકોના સન્માન સમારોહનું આયોજન કરાયું

રવિવારે ગાંધીધામ ખાતે કચ્છના અન્સારી માસરા સમાજની વાર્ષિક બેઠક અને સમાજના વિવિધ વર્ગોના અભ્યાસ કરતા તેજસ્વી બાળકોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના ગુજરાત કક્ષાના અગ્રણીઓની હાજરીમાં 85 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 2018માં કચ્છની અન્સારી માસરા સમાજની કારોબારીની રચના બાદ પ્રથમ વાર આયોજિત કાર્યક્રમમાં ગુજરાત અન્સારી સમાજના અધ્યક્ષ મંજુર અન્સારીએ સંગઠન પર ભાર મુકતા કચ્છનો સમાજ હાલ રાજ્યના સમાજ સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહ્યો છે તેને આવકારતા આગામી દિવસોમાં જિલ્લામાં સમાજનું સંગઠન વધુ મજબૂત બને તેવા પગલાં પર ભાર મૂક્યો હતો. સાથોસાથ પ્રગતિશીલ એવા અન્સારી સમાજમાં હજુ પણ કેટલાક સ્થળે લગ્ન પ્રસંગ સમયે દહેજની પ્રથા જારી છે તેને અટકાવવા પર અપીલ કરી હતી.
કચ્છ અન્સારી માસરાના પ્રમુખ હાજી દોસમહંમદ અંસારીએ પણ સમાજમાં સંગઠન – એકતા પર ભાર મુકતા કહ્યું હતું કે સમાજની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખીને સમાજના સદસ્યો સંગઠન વધારવા આગળ આવે તે જરૂરી છે. હાલ ગુજરાત કક્ષાએથી સમાજના અગ્રણીઓ વિવિધ સ્તરે સહકાર આપી રહ્યા છે ત્યારે તેમની સાથે જોડાઈને કચ્છ સ્તરે પણ વિવિધ કાર્યક્રમો ના આયોજન વિચારાધીન હોવાનું પણ કહ્યું હતું. આ સમયે ઉપસ્થિત કચ્છ અન્સારી સમાજના અગ્રણીઓ દ્વારા આગામી સમયમાં કચ્છમાં સમાજના એક હોલનું નિર્માણ પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
થોડા સમય પહેલા સાબરકાંઠા જિલ્લાના અન્સારી સમાજના સદસ્યો દ્વારા નિર્ધારિત થયેલા લગ્નપ્રસંગના સુધારા અંગેના નિયમો તથા સૂચનોને પણ કચ્છમાં લાગુ કરવાના પ્રયાસો કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌને સંબોધતા ગુજરાત અન્સારી સમાજના અગ્રણી આફતાબ આલમ અન્સારી, ડો. ફારુક દોસમોહમ્મદ અન્સારી તથા કચ્છ સમાજના મંત્રી રિયાઝુદ્દીન અન્સારી એ શિક્ષણ પર ભાર મૂકવાની સાથોસાથ સમાજને આગળ વધારવા મહિલાઓ અને યુવાનો યોગદાન વધારે તેવી અપીલ કરી હતી. સાથોસાથ, અન્સારી સમાજ વર્ષો પહેલા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાત રોજીરોટી અર્થે સ્થાયી થયો છે ત્યારે પોતાની સંસ્કૃતિ જાળવીને અન્ય સમાજ સાથે ભળીને આગળ વધવા અપીલ કરી હતી. મૌલાના સરફરાઝ અન્સારી એ કુરાને શરીફ ની તિલાવત કરીને કાર્યક્રમ નો પ્રારંભ કરાવ્યો હતો.

ગત વર્ષે સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તીર્ણના થયેલા 85 વિદ્યાર્થીઓને શીલ્ડ, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને પ્રોત્સહિત કરવામાં આવ્યા હતા અને આગામી વર્ષોમાં શૈક્ષણિક ક્ષેત્રોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અગ્રણીઓ તથા ગુજરાત અન્સારી સમાજ ટ્રસ્ટના આગેવાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન જિલ્લાના પ્રમુખ હાજી દોસમોહમ્મદ અન્સારી તથા આભાર વિધિ જિલ્લાના ઉપપ્રમુખ મોહમ્મદ નસિમ અન્સારી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોહમ્મદ રફીક અન્સારી – સાબરકાંઠા, કે. કે. અન્સારી, અબ્દુલ મજીદ અન્સારી, અબ્દુલ હનાન અન્સારી, નૌશાદ અન્સારી, કાસિમ અન્સારી, મનીરુદ્દીન અન્સારી, આબીદ અન્સારી, સેહજાદ અન્સારી, ફિરોઝ અન્સારી, વલીઉલ્લાહ અન્સારી, ડો. હુસેન અન્સારી, નુરમોહમ્મદ અન્સારી, એડવોકેટ ગુલામ હુસેન અન્સારી, કયુમ અન્સારી, વલિમોહમ્મદ અન્સારી, આમિરહુસેન અન્સારી, સદરુદ્દીન અન્સારી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી આવેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ દ્વારા પ્રથમ વખત આયોજિત કાર્યક્રમની સફળતા માટે જહેમત લેનારા કચ્છ માસરા ના કારોબારી સભ્યોની જહેમતને બિરદાવવામાં આવી હતી.