ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાંથી ચોખાની બોરીઓની આડમાં સંતાડેલ 94 હજારના દારૂ સાથે બે શખ્સો પોલીસના સકંજામાં
ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાંથી ચોખાની બોરીમાં સંતાડેલ દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ તાલુકાનાં જવાહરનગરમાં આવેલ મા ગવરી ટીમ્બરની સામેના ભાગે પાર્કિંગમાં ઉભેલા ટ્રેઇલરમાં ચોખાની બોરીમાં સંતાડેલ 94,800નો દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ જવાહરનગરમાં પાર્ક કરવામાં આવેલ ટ્રેઈલર નજીક બાઇક પાસે ત્રણ શખ્સો ઉભા હતા. માહિતી મળી રહી છે કે આ શખ્સો પોલીસને જોઇને નાસી છૂટ્યા હતા, જ્યારે ટ્રેઇલરમાં બેઠેલા ચાલક તથા ખલાસીને પોલીસે પકડી લીધા હતા. આ ટ્રેઈલરની તપાસ હાથ ધરવામાં આવતા વાહનના પાછળના ભાગે ચોખાની બોરીની આડમાં દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે આ જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની બોટલો અને પાઉચ એમ કુલ રૂા.94,800નો દારૂ કબ્જે કર્યો હતો.પોલીસે દારૂ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સોને અટક કરી અને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.