લખપત ખાતે આવેલ સાંભડા ગામ નજીક નંબર પ્લેટ વિનાનું મહાકાય ટ્રેલર પલટ્યું
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગત રવિવારના પવનચક્કીના પૂર્જા લઈને જતું નંબર પ્લેટ વિનાનું મહાકાય ટ્રેલર લખપત ખાતે આવેલ સાંભડા ગામ પાસે પલટી મારી જતાં તળાવમાં ખાબક્યું હતું. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત રવિવારે સવારના સમયે આ બનાવ બન્યો હતો. લખપત ખાતે આવેલ સાંભડા નજીક આવેલ પવનચક્કીના એક પોઇન્ટ માટે સાધન સામગ્રી લઈને આવતું નંબર પ્લેટ વિનાનું એક મહાકાય ટ્રેલર પલટી મારી જવાના કારણે તળાવમાં આડુ પડી ગયેલ હતું. જાણવા મળી રહ્યું છે કે, આ બનાવના પગલે લોકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે સવારના સમયે આ તળાવના કાંઠે ગામની મહિલાઓ કપડાં ધોવા માટે પણ જતી હોય છે, ગામ નજીક સિંગલ રોડ પર આવેલ તળાવ નજીક બનેલા આ બનાવ સમયે ઘટના સ્થળે કોઈ હાજર ન હતું જેથી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. માહિતી મળી રહી છે કે, આ બનાવને પગલે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, પવનચક્કીના નિર્માણ કાર્ય માટે સાધન સામગ્રીનું પરિવહન કરતા આ વાહનો કેમ તંત્રની નજરે પડતા નથી…?