ભરૂચમાં શુ પોલીસને માર મારવાની સત્તા મળી ગઈ છે.?, લાંચ ન આપનાર ચાલકને પોલીસે મારમાર્યો..!
ભરૂચમાં પોલીસ વિભાગને શર્મ સાર કરતી ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે 1000 રૂપિયાની લાંચ ન આપનાર વાહન ચાલકને પાલેજ પોલીસ મથકના ટ્રાફિક વિભાગના તેમજ TRB ના જવાનોએ મળી લાકડીના સપાટા તેમજ છાતીમાં ધિક્કા-પાટુનો માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વાહન ચાલકને એટલી હદે માર્યો કે તેને ચક્કર આવતા સારવાર લેવાની પણ ફરજ પડી હતી. જોકે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.
બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ દાહોદના અને હાલ આમોદ તાલુકાના તણછા ગામે રહેતા મેહુલભાઇ મકવાણા જેઓ તેઓની ભાભીને લેવા માટે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગાડી લઈને ગયા હતા. જ્યાં તેઓ જે બસમાં, તેઓની ભાભી આવવાના હતા તે બસની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં પાલેજ પોલીસ મથકના TRB જવાન સહિત અન્ય એક ખાખીધારી પોલીસ જવાન તેઓ પાસે આવ્યા હતા. અને તેઓ પાસે ગાડીના કાગળો માંગ્યા હતા. ચાલક પાસે કાગળો હાજર ન હોઈ તેઓએ જણાવ્યું હતું કે મારા પાસે કાગળો હાલ હાજર નથી, હું કાલે બતાવી જઈશ, તેમ જણાવતા હાજર પોલીસ જવાનોએ ચાલક પાસે 1000 રૂપિયાની માંગણી કરી હતી. ચાલક પાસે 1000 રૂપિયા પણ ન હોઈ જેથી હાજર પોલીસ જવાનોએ ગાડી જમા કરાવવાનું જણાવી, કેબીનમાં લઈ જઈ ભોગ બનનારને પકડી રાખી લાકડીના સપાટા માર્યા હતા, તદુપરાંત છાતીના ભાગે પણ ધીકાપાટુનો મારમાર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ભોગ બનનાર ચાલકે મીડિયા સમક્ષ નિવેદનમાં પાલેજ પોલીસના TEBના જવાન વિજય સોલંકીના નામનું રટણ કર્યું હતું. તેમજ તેઓ સાથે વાઈટ ડ્રેસમાં અન્ય TRB જવાન તેમજ ખાખીધારી પોલીસ જવાન પણ હોવાનું જણાવ્યું હતું. ઘટનાને લઈને બનાવવાળી જગ્યાએ લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ જ માહિતી સાંપડી ન હતી.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને વધુ માહિતી મેળવવા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો ટેલિફોનિક સંપર્ક સાધતા PI એ જણાવ્યું હતું કે આ બાબતે ભોગ બનનાર તરફથી કોઈ ફરિયાદ આપેલ નથી. હવે અહીં પ્રશ્ન એ ઉદ્દભવે છે કે ભોગ બનનારે કરેલ આક્ષેપ પ્રમાણે આવી કોઈ ઘટના બની છે કે કેમ..? કારણ કે પોલીસ જવાનોએ વાહન ચાલકને માર માર્યો હોઈ અને ઇજાગ્રસ્તને સારવાર લેવાની ફરજ પડી હોય અને વધુમાં લોકટોળા એકત્ર થયા હોય એટલે સ્વાભાવિક પણે સમગ્ર ઘટનાક્રમ વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રજા સહિત પ્રશાસન સુધી પણ પ્રસરી જ જતો હોય છે. તો ચોક્કસથી અહીં સવાલ એ ઉભો થાય છે કે બનાવને લઈ કોઈ પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી? નવાઈની વાત છે કે આ ઘટનાને લઈ પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક તર્ક-વિતર્ક આકાર લઈ રહ્યા છે. ઉપરોક્ત ઘટનાને લઈ અમો કોઈ પુષ્ટિ કરી રહ્યા નથી, પરંતુ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટરનાઓએ ઘટના અંગે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો આવી કોઈ ઘટના ઘટી હોઈ, વાહન ચાલકને માર મારવામાં આવ્યો હોય તો એ બાબતે જે તે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દાખલારૂપી કાર્યવાહી કરવી જોઈએ. જેથી જાહેર જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ કાયમ રહે, માટે યોગ્ય તપાસ કરી જરૂરી પગલા લેવા અત્યંત જરૂરી જણાય રહ્યું છે.