મુંદ્રા ખાતે આવેલ ગુંદાલાના ખેતમજૂરોને સાંથણીમાં પ્રાપ્ત થયેલ જમીન આજે પણ નકશામાં નથી ચડી : જમીનોની વિસંગતતા સ્પષ્ટ કરવા આવેદનપત્ર દ્વારા રજૂઆત
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મુંદ્રા ખાતે આવેલ મોજે ગુંદાલા સીમ વિસ્તારમાં વર્ષ 1960 માં ગુંદાલાના ખેતમજૂરોને સાંથણીમાં સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવેલ હતી. જેમના હુકમ, સુડબુક, હાલીમાજી સહિતના 7/12, 8/અ, રેકર્ડ પણ હાજર હોવા છતાં કેટલાક ખેડૂતોને જમીન પ્રાપ્ત થઈ નથી. ઉપરાંત આ જમીન નકસામાં પણ નથી, આથી અનેક વિસંગતાઓને સ્પષ્ટ કરવા અંગે આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવેલ હતી. આ જમીનોના ડી.આઈ.એલ.આર. દ્વારા માપણી કરી જમીનો આપવામાં આવેલ નથી. જે અંગે ઘણા સમયથી ખેડૂતો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી અને આ જમીનો સ્થળ પર વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવી નથી, જેના કારણે અનેક સમસ્યાઓ પણ ઉદ્દભવે છે. વધુમાં માહિતી મળી રહી છે કે, ખાનગી કંપની દ્વારા પણ વારંવાર આ જમીનો પરથી હટી જવા કહેવામા આવતું હોવાના આક્ષેપો કરાયા હતાં. આ ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમની જમીન અને તેઓ બન્ને અસુરક્ષિત હોવાથી વહેલી તકે આ લોકોની સમસ્યાનું નિરાકરણની માંગ સાથે આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી.