આમોદ ચામડિયા હાઇસ્કુલમાં આવેલા જર્જરિત રંગ ઉપવનની દીવાલ ધસી પડતાં ક્રિકેટ જોતો પ્રેક્ષક ઇજાગ્રસ્ત બન્યો
આમોદ ચામડિયા હાઇસ્કુલમાં આવેલા જર્જરિત રંગ ઉપવનની દીવાલ અચાનક ધસી પડતાં ક્રિકેટ જોવા બેઠેલો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો.જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.ઇજાગ્રસ્ત વ્યક્તિને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.
આમોદ ચામડિયા હાઇસ્કુલના મેદાનમાં યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ક્રિકેટ રમવા માટે ચામડિયા હાઇસ્કુલના મેદાનમાં આશરે ૪૦ થી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા.તેમજ અન્ય ક્રિકેટ રસિક યુવાનો જર્જરિત રંગ ઉપવનની દીવાલ પાસે બેસીને મેચ નિહાળતા હતા.ત્યારે અચાનક જર્જરિત રંગ ઉપવનની દીવાલ ધસી પડતાં પ્રેક્ષક યુવાનો ત્યાંથી દોડી ગયા હતાં.જેથી તેમનો જીવ બચી ગયો હતો.અને સદનસીબે મોટી જાનહાની થતાં અટકી હતી.જોકે એક દશરથ માછી નામના યુવાનને દીવાલ ધસી પડતાં તેમને માથામાં ઇજા થઈ હતી.જેથી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.આ બાબતે આમોદ ચામડિયા હાઇસ્કુલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે અમોએ આ જર્જરિત રંગ ઉપવનને ઉતારવા માટે આમોદ મામલતદાર, આમોદ તાલુકા પંચાયત તેમજ આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આ બાબતે યુવા ક્રિકેટર મિતેષ માછીએ જણાવ્યું હતું કે અહીંયા યુવાનો અવાર-નવાર ક્રિકેટ રમે છે જેથી સ્કૂલ મેનેજમેન્ટ તેમજ તંત્રએ આ જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરી દે તો ભવિષ્યમાં મોટી જાનહાની થતાં અટકે.