૧૦ ફેબ્રુઆરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂર્હુત કાર્યક્રમ
આગામી ૧૦ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાના અંદાજે ૧ લાખથી વધારે આવાસનો ઈ-લોકાર્પણ અને ખાતમૂર્હુત કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમના સમાંતરે કચ્છ જિલ્લામાં ૦૬ સ્થળે આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેવામાં આવશે. અંદાજે ૧૪૦૦થી વધારે આવાસનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કચ્છ જિલ્લામાં પદાધિકારીશ્રીઓના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં થશે.
કચ્છ જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કચ્છ જિલ્લામાં આયોજિત તમામ કાર્યક્રમનું આયોજન સુચારુરૂપે થાય તે દિશામાં કામગીરી કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી, ઈ-લોકાર્પણ, કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની આનુષંગિક બાબતો અંગે સમીક્ષા કરીને સંબંધિત અધિકારીશ્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત જિલ્લા વહીવટીતંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા