ATMમાં તસ્કરો ત્રાટક્યા:અંકલેશ્વરમાં આવેલી HDFC બેંકના ATMને પથ્થરો અને સળિયા વડે તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો

અંકલેશ્વરમાં ગત રાત્રીના તસ્કરોએ એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.પથ્યર અને સળીયા વડે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જેની વધુ એક ઘટના સામે આવી છે.અંકલેશ્વર બસ ડેપોની સામે એચડીએફસી બેંકનું એટીએમ મશીન આવેલું છે.આ મશીનને ગતરોજ રાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.જેમાં તસ્કરોએ પથ્થર અને લોખંડના સળીયાથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ મશીન નહિ તૂટતાં તસ્કરોને વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.
આ બનાવની જાણ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે મથકમાં કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરીને તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,જણવા મળતી માહિતી મુજબ એટીએમ મશીનના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.હાલમાં તો પોલીસ બેન્ક મેનેજરની ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.