આમોદમાં ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિકોએ રોષે ભરાઇ ધરણા પર બેસવાની તૈયારીઓ બતાવી

સતત વિવાદોના વમળમાં ઘેરાયેલી આમોદ નગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે. પ્રજાજનોને સુવિધા પુરી પાડવાને બદલે દુવિધામાં ધકેલતી પાલિકા પ્રત્યે નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. “સબકા સાથ સબકા વિકાસ” ની વાતો કરતી ભાજપ સરકાર આમોદ નગરપાલિકાના પાપે બદનામ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ચોમેરથી પાલિકા પ્રત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે. મહિના અગાઉ આપેલ લેખિત ફરિયાદનું આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા છે. અને પાલિકા સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવેલ અપના નગર સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે હેરાન-પરેશાન થઈ ઉઠ્યા છે. એક મહિના પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો. અને મૌખિક તેમજ લેખિતમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. જોકે પાલિકાના સત્તાધીશોએ જે તે સમયે રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ એક મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ પણ આજદિન સુધી કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ગટરની સમસ્યા યથાવત રહેતા આજ રોજ ફરીથી અપના નગરના રહીશોએ એકત્ર થઈ પાલિકા સામે બાયો ચઢાવી છે. નગરપાલિકાના વિરોધ પક્ષના દીકરીના પિતાએ પાલિકા સામે રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના બોર્ડની પાલિકાના વોર્ડ નંબર પાંચના તમામ સદસ્યો અપક્ષમાંથી ચૂંટાયેલા છે એટલા માટે અમારા વિસ્તારમાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. અને અમારી રજૂઆતો પણ કોઈ ધ્યાને લેતા નથી. માટે આગામી દિવસોમાં અમો તમામ સ્થાનિકો એકત્ર થઈ કલેકટર કચેરીના દ્વાર ખખડાવીશું, તેમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા તેમજ કલેકટરને જાણ કરી ધરણા ઉપર બેસવાની તૈયારી પણ બતાવી હતી. આવડત વગરના લોકો સત્તા ઉપર બેસેલા છે. એટલે જ વિકાસના કામો ગોટાળે ચઢતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પ્રત્યે લોકો સોશિયલ મીડિયામાં પણ રોષ ઠાલવી રહ્યા છે. ઉભરાતી ગટરોના ફોટાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ઉજાગર કરી રહ્યા છે. જેના પરથી પાલિકાની વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે. ગત રાત્રીના પણ પાલિકાએ ખોડેલા ખાડામાં એક બાઈક ચાલક ખાબક્યો હતો. જો કે સદ્દનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. રાત્રીના સર્જાયેલ ઘટના અંગેના સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવેલ હતા. પરંતુ પાલિકાના સત્તાધીશો ‘હમ નહીં સુધરેંગે’ ની નીતિ અપનાવી આંખ, કાન બંધ કરી મૌન ધારણ કરી મોટી હોનારત સહિત ગંભીર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ બેઠા હોય તેવી લોકચર્ચાઓ વહેતી થઈ છે. અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો, રોજબરોજ મીડિયાના માધ્યમથી ઉજાગર થતી સમસ્યાઓ છતાં પરિણામ શૂન્ય..? હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપની શાખને દાગ લગાડતા આમોદ નગરપાલિકાના નિંદ્રાધીન સત્તાધીશો જાગે છે કે પછી નગરજનોને ઉભરાતી ગટરમાંજ રહેવા મજબુર કરે છે.? તે જોવું રહ્યું.