અંકલેશ્વરમાં પત્નીએ નશો કરવાની ના પાડતા બેકાર પતિએ કર્યો આપઘાત : પોલીસે મોતનું સાચું કારણ જાણવા તપાસ શરુ કરી

અંકલેશ્વરમાં સોનમ સોસાયટીના મકાનના ચોથા માળે બની રહેલા નવા રૂમમાં એક યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. જોકે તે બેકાર હોય કામ ધંધો નહિ કરતો અને રોજ નશો કરતો હોય પત્નીએ તેને નશો નહિ કરવા ટોક્યો હતો. જેથી તેને લાગી આવતા આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે પોલીસે અકાળે મોતથી ઉભી થયેલી શંકાને લઇ પેનલ પોસ્ટમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવા તપાસ શરુ કરી હતી.
અંકલેશ્વર રાજપીપલા રોડ પર ગડખોલ ગામની હદમાં સોનમ સોસાયટીના પ્લોટ નંબર 49ના રૂમ નંબર 10માં રહેતા સન્ની કુમાર પુટીલ રહેતો હતો. જે હાલમાં કોઈપણ પ્રકારનો નોકરી કે ધંધો કરતો ન હતો, પરંતુ તેને રોજ નશો કરવાની ટેવ હોય તેની પત્નીએ તેને નશો નહિ કરવાનું જણાવ્યું હતું. જેથી તેને લાગી આવતા તેણે મકાનના ચોથા માળે નવા બની રહેલા રૂમમાં બારી ઉપર રાખેલા લોખંડના સળીયાના ઝુંડા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી આપઘાત કરી લીધો હતો.
જે અંગેની સમગ્ર વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે પ્રમાણે યુવકનું મોત થયું હતું તે જોતા સ્થાનિક લોકોએ યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ ઘટનાની જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસને મૃતકની પત્ની રુબીકુમારી પુટીલે ફરિયાદમાં પોતાના પતિને નશો કરવાની બાબતે ના પાડતા તેને લાગી આવતા આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરુ કરી છે.