જામનગર- તિરૂનેલવેલી ટ્રેનમાંથી મહિલા તબીબના પાકિટની ચોરી કરનાર તસ્કર સુરતથી ઝડપાયો, ભરૂચ રેલ્વે પોલીસે તસ્કર સહિત સોનુ ખરીદનારની પણ કરી ધરપકડ

ભરૂચની રેલ્વે પોલીસે જામનગર- તિરૂનેલવેલી ટ્રેનમાંથી મહિલા તબીબના પાકિટની ચોરી કરનાર તસ્કરને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.પોલીસે ચોરીનું સોનુ ખરીદનાર ચોકસીને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઇનું તબીબ દંપતિ જામનગર- તિરૂનેલવેલી ટ્રેનમાં પનવેલ જઇ રહ્યું હતું. તે સમય દરમિયાન કોઇએ મહિલા તબીબનું પર્સ ચોરી કરી જતાં ભરૂચ રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે પીએસઆઇ એસ.કે.રાણા તેમજ તેમની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. અલગ અલગ સ્ટેશનો પરના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યાં હતાં.જેમાં એક શખ્સ શંકાના દાયરામાં આવ્યો હતો. આ અરસામાં ભરૂચના હેડ કોન્સ્ટેબલ સુનિલ સુરત ખાતે ગયાં હતાં. જ્યાં તેમને શકમંદ ઇસમ દેખાતાં એલસીબીની ટીમની મદદથી તેને દબોચી લીધો હતો.
જેની પ્રાથમિક પુછપરછમાં તેનું નામ રામસુંદર ઉર્ફે શ્યામસુંદર સજગદીશનગર (રહે. લંબે હનુમાન રોડ, સુરત, મુળ રહે. યુપી) હોવાનું માલુમ પડ્યું હતું. પુછપરછમાં તેણે મહિલા તબીબનું પર્સ ચોરી કરી હોવાની કબુલાત કરતાં પર્સના સામાન અંગે પુછતાં તેણે જણાવ્યું હતું કે,પર્સમાંથી મળેલાં સોના રૂ. 4.85 લાખના દાગીના સુરતના લાલગેટ પાસે રહેતાં અબ્દુલ અઝીઝ મોહંમદ હબીબ ચોક્સીને વેચ્યાં હોવાની કબુલાત કરતાં ટીમે તને પણ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.