આમોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું કરુણ મોત

અમોદના સરભાણ માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં લગ્ન પ્રસંગ પતાવી પુત્ર સાથે પરત ઘરે આવી રહેલા માતાનું અજાણ્યા કાર ચાલકની ટકકરે મોત નીપજાવી કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. આ મામલે અમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પાલેજ ખાતે રહેતા મોહમ્મદશહદ શોકત સયદુમિયા સૈયદ જેઓ પોતાની માતા નસીમબેન શોકત સૈયદનાઓ સાથે મોટરસાયકલ લઈને જંબુસર તાલુકાના ડાભા ગામે તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓ રાત્રીના ત્યાં જ રોકાઈ આજે બપોરના પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. તેઓ આમોદની શમા ચોકડીથી સરભાણ ગામ તરફથી પાલેજ જવાના માર્ગ પર પહોંચતા જ પાછળથી એક કાર ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી લાવી અકસ્માત સર્જી કાર લઈને ફરાર થઇ ગયો હતો.


આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયા હતા. જેમાં માતા નસીમબેન શોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા. જ્યારે પુત્ર મોહમ્મદશહદ શોકત સયદુમિયા સૈયદને શરીર પર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પાછળ આવી રહેલા એક કાર ચાલકે ઇજાગ્રસ્ત માતા-પુત્ર બંનેને સારવાર હેઠળ આમોદના સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે નસીમબેનને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મોહમ્મદશહદ શોકત સયદુમિયા સૈયદે આમોદ પોલીસ મથકમાં ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.