ભરૂચમાં રસ્તે ચાલતા ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગતા અફરા-તફરી

ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલા યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં આચનક આગ લાગતા, તેણે મોપેડ રોડની બાજુમાં મૂકી સફળતા પૂર્વક રોડની સામેની બાજુએ જતો રહ્યો હતો.આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ પણ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે.ત્યારે ભરૂચના જે.બી.મોદી પાર્ક પાસે વધુ એક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ભરૂચનના નારાયણ નગર સોસાયટીમાં રહેતા ૧૫ વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઇલેક્ટ્રિક મૉપેડ લઈને પાંજરાપોળ નજીક કચરો નાખવા આવ્યો હતો.તે કચરો નાખીને પરત આવી રહ્યો હતો, ત્યારે તેની મોપેડમાં અચાનક આગ લાગતા તે અચંબામાં પડી ગયો હતો.
આ દરમિયાન તેણે પોતાનો જીવ બચાવા ગાડી મૂકીને સામેના રોડે સુરક્ષિત જગ્યાએ જતો રહ્યો હતો.આ ઘટનાના પગલે આજુ-બાજુના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટના સ્થળે આવી નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં આખે-આખું ઇલેક્ટ્રીક મોપેડ આગમાં બળીને ભસ્મિભૂત થઇ ગયું હતું.

રિપોર્ટ બાય :- કેતન મહેતા, ભરૂચ