ઝઘડિયામાં ચોરીની ૯૫ નંગ પાઇપ સાથે ૧૨ ગુનામાં સંડોવાયેલો તસ્કર ઝડપાયો

ઝઘડિયા જીઆઇડીસીમાં પિકઅપ ગાડીમાં ચોરીની પ્લાસ્ટીકની ૯૫ પાઇપ લઇ જતાં રીઢા તસ્કરને ઝડપી લેવાયો છે. જીઆઇડીસીમાં ચોરીના વધી રહેલાં બનાવોને ધ્યાનમાં રાખી પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઝઘડિયા પોલીસને એક પીકઅપ ગાડીમાં પાઇપનો મોટો જથ્થો શંકાસ્પદ હાલતમાં લઇ જવાતો હોવાની બાતમી મળી હતી. જેથી વોચ ગોઠવીને બોલેરોને રોકવામાં આવી હતી. જેમાં તપાસ કરવામાં આવતાં કેમિકલનો નિકાલ કરવા માટે વપરાતી ૯૫ નંગ પાઇપ મળી આવી હતી. પાઇપની માલિકી અંગે યોગ્ય ખુલાસો નહિ આપી શકતાં બોલેરોના ડ્રાઇવર અને ઝઘડિયા તાલુકાના જ ફૂલવાડીના રહેવાસી નફીસખાન પઠાણની અટકાયત કરવામાં આવી હતી. બોલેરો ગાડી અને પાઇપ સહિત કુલ રૂ. ૮.૨૨ લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. આ પાઇપ નોટીફાઇડ વિભાગની કચેરીમાંથી ચોરી કરાયા હોવાની વિગતો સામે આવી છે. બનાવ અંગે કચેરીના ઇજનેરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નફીશખાન પઠાણ વિરૂધ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલાં છે.