ભરૂચ પંચાયત સભ્યે ડીડીઓને આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ યથાવત, તરસાલી મેળામાં લોકોને જોખમી રીતે હોડીમાં લઈ જવાતા વિડિયો વાયરલ

કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ.? ડીડીઓ.? કે પછી હોડી સંચાલક.?

પોતાનો લૂલો બચાવ કરનાર કમલેશ માછી આ અંગે ખુલાસો કરશે ખરા.?

ભરૂચ તાલુકાના ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યએ આવેદન પણ આપ્યું હતું તો પણ જોખમી હોડીઘાટ ધમધમતો નજરે પડી રહ્યો છે. ભરૂચ જીલ્લામાં નર્મદા તટે આવેલ ઝનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના ઝનોર મુકામે જીલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર-બામણીયા હોડીઘાટ જીલ્લા પંચાયતમાં પરવાનાના રૂપીયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આવેદન આપ્યું હતું. આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ ઘમઘમી રહ્યો હોવાના વિડિયો વાયરલ થયા છે. જોકે તરસાલી ખાતે મેળાનું આયોજન હોઈ લાંબા ફેરાવાથી બચવા લોકો હોડી મારફતે ટૂંકા રસ્તે મુસાફરી કરતા હોય છે. હાલ તો વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલાં કરતા પણ વધુ મુસાફરો અને મોટર સાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે. જોકે આ વિડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. મીડિયામાં સમાચાર પ્રસારિત થતા પોતાનો લુલો બચાવ કરનાર કમલેશ માછીએ વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી, તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોડી મારફટે અવર-જવર કરી રહ્યા છે. તો શું એને પ્રવાસી ન કેહવાય.? તો શું આ વિશે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના જીવ સાથે ચેડાં કેમ કરી રહ્યા છે. અને એમની આ લાલચમાં કોઈ મોટી હોનારત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ.? જેવી અનેક લોકચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે. વાયરલ થયેલ વિડિયો અંગે ભરૂચ ડી.ડી.ઓ વેહલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ