જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી કામગીરીઓ માટેના નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના આયોજનના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ચૂંટણીલક્ષી અલગ-અલગ કામગીરીઓને પહોંચી વળવા તથા ચૂંટણી પંચની વખતો-વખતની સૂચનાઓનું સમયમર્યાદામાં પાલન થઇ શકે તે માટે જિલ્લા કક્ષાએ વર્ગ-૧ કક્ષાના ૨૦ અલગ-અલગ અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલી છે. ત્યારે તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પ્રક્રિયા માટે ૨૦ અલગ-અલગ નોડલ અધિકારીશ્રીઓને તેઓને સુપ્રત કરવામાં આવેલી કામગીરી સબંધે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કચ્છની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેઓને કરવાની રહેતી કામગીરી બાબતે અવગત કરવામાં આવ્યા હતા. તેમજ લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરીમાં કોઇ કચાસ ન રહે તેમજ સુચારૂરુપે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે દરેક નોડલ અધિકારીશ્રીએ પૂર્વ તૈયારી કરી તે અંગેનો રોડમેપ તૈયાર કરી કામગીરી શરૂ કરી દેવા જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં ચૂંટણી અંગેની કામગીરી બાબતની ઉંડાણપૂર્વકની સમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી આપવામાં આવી હતી. તેમજ તમામ નોડલ અધિકારીશ્રીઓને તેઓને સુપ્રત કરવામાં આવેલી કામગીરી સબબનું સાહિત્ય પુરુ પાડવામાં આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, ૨૦ નોડલ અધિકારીશ્રીઓમાં (૧) મેનપાવર મેનેજમેન્ટ (૨) ટ્રૈઇનીં મેનેજમેન્ટ (૩) મટેરીયલ મેનેજમેન્ટ (૪) ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ (૫) કોમ્પ્યુટરાઇઝેશન, સાયબર સિક્યુરીટી અને આઇ.ટી. (૬) મતદાર જાગૃતિ (SVEEP) (૭) કાયદો અને વ્યવસ્થા (૮) ઇ.વી.એમ. મેનેજમેન્ટ (૯) આદર્શ આચારસંહિતા (૧૦) એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ (૧૧) પોસ્ટલ બેલેટ, બેલેટ પેપર (૧૨) મિડિયા (૧૩) કોમ્યુનિકેશન પ્લાન (૧૪) મતદારયાદી (૧૫) કમ્પલેઇન રિડ્રેસલ અને વોટર હેલ્પલાઇન (૧૬) ઓબ્ઝર્વર (૧૭) પર્સન વીથ ડિસેબીલીટી (PwD) (૧૮) માઇગ્રેટરી ઇલેક્ટર્સ (૧૯) કર્મચારી કલ્યાણ તેમજ (૨૦) મતગણતરી કેન્દ્રના નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવેલા છે.