સંકલ્પ પત્ર તૈયાર કરવા અંતર્ગત લોકો પાસેથી સુચનો જાણવા કચ્છ જીલ્લા ભાજપની અગત્યની બેઠક યોજાઈ

લોકસભા ની ચૂંટણી નજીક આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદીમાં જ કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે વિનોદભાઈ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પુરજોશમાં કામે લાગી ગઈ છે ત્યારે કેન્દ્રિય અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમો અંતર્ગત આજે લોકસભા કાર્યાલય ખાતે “વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024” અને “મોદી કી ગેરંટી” અભિયાન અંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં આ અભિયાનના જિલ્લા કક્ષાના અને મંડળ સ્તરના ઇન્ચાર્જશ્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રારંભમાં દીપ પ્રાગટ્ય અને સ્વાગત બાદ કચ્છ લોકસભા સીટના સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે ઉક્ત અભિયાન અંગે વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિકસિત ભારત સંકલ્પ અભિયાન દ્વારા દેશભરના લોકો પાસેથી વિવિધ મુદ્દાઓ અંગેના સૂચનો મેળવીને આવા તમામ નવતર અને સુંદર વિચારોનો સમન્વય કરીને તેમને ભારતીય જનતા પાર્ટીના આગામી સંકલ્પ પત્રમાં સ્થાન આપવામાં આવશે. અભિયાન અંતર્ગત આગામી તારીખ 6 થી 20 માર્ચ સુધીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ માધ્યમ થી લગભગ 1 કરોડ જેટલાં લોકો સુધી પહોંચી લોકોના અભિપ્રાયો અને સૂચનો લેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે. લોકો સુધી ભિન્ન ભિન્ન પ્રકારે પહોચવા માટે વીડિયોવેનના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સ્થાનો, ખેડૂતો, વેપારીઓ, શ્રમજીવીઓ, બુદ્ધિજીવીઓ એમ સમાજના તમામ વર્ગો સાથે ગોષ્ઠીનું આયોજન કરીને તેમના મંતવ્ય કે વિચારો જાણવામાં આવશે. અન્ય એક પ્રયાસના ભાગરૂપે મિસકોલ દ્વારા પણ લોકો સુધી પહોંચી લોકોના સૂચનો જાણવા પ્રયત્ન કરાશે જે અંતર્ગત પાર્ટી દ્વારા 9090902024 નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પર મિસકોલ કરવાથી તત્ક્ષણ સામેથી કોલ આવશે અને તે કોલમાં વોઇસ મેસેજ દ્વારા પોતાના સૂચનો પ્રદેશ કે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટીને પ્રત્યક્ષપણે આપી શકાશે. આ રીતે સમગ્ર રાષ્ટ્રમાંથી મળેલા સૂચનો, મંતવ્યોને એકત્રિત કરીને તેના નિચોડને દેશના નાગરિકોની લાગણીઓની વાચા સ્વરૂપ ગણીને ભારતીય જનતા પાર્ટીનું આગામી સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે. અધ્યક્ષ સ્થાનેથી બોલતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આવા લોકાભિમુખ અભિયાન ભારતીય જનતા પાર્ટી જ લાવી શકે છે અને લોકોના મંતવ્યો, સૂચનો લેવાનું અને એ અનુસાર આગામી સરકારની દિશા સુનિશ્ચિત કરવાનું સાહસ પણ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના વચનો, વાયદાઓ પૂર્ણ કરતી સરકાર છે. આજે દેશના લોકોને મોદીની ગેરંટી પર પૂરો ભરોસો છે કેમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કામોનું ખાતમુહુર્ત કરે એના લોકાર્પણ પણ તેમના હસ્તે જ કરે છે. લોકો વચ્ચે, લોકો સાથે રહીને કામ કરતી સરકાર હોવાથી લોકો ભાજપ તેમજ મોદીની ગેરંટી પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને અભિયાનના જીલ્લા ઇન્ચાર્જ રાહુલભાઇ ગોર, સંજયભાઈ દાવડા સહિતના વિવિધ હોદેદારો અને અપેક્ષિત શ્રેણીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મિડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને જીલ્લા ભાજપ મિડિયા સહ ઈન્ચાર્જ ચેતનભાઈ કતિરાની યાદીમાં જણાવાયું હતું.