કચ્છની ૧૦ કોલેજોના ૧૦૦ વિદ્યાર્થીઓ તેમજ આધ્યાપકોએ ભાગ લીધો

મિશન લાઈફ અંતર્ગત કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા “Life Style Practices and Biodiversity”ના થીમ તાજેતરમાં બે દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આર. આર. લાલન કોલેજના બાયોલોજી વિભાગએ નોલેજ પાર્ટનર, GEER foundation- ગાંધીનગરે કો- પાર્ટનર અને ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીએ વેન્યુ પાર્ટનર તરીકે ભાગીદારી નોંધાવી હતી.
વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા ઉત્પન્ન થાય અને ભાવિ પેઢી તેની જાણકારી મેળવી શકે તેવા મુખ્ય હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં કચ્છની ૧૦ કોલેજોના ૧૦૦ વિદ્યાર્થીઓ તેમજ આધ્યાપકોએ ભાગ લીધો હતો.કાર્યક્રમના પ્રથમ દિવસે કચ્છ યુનિવર્સિટી ખાતે વિવિધ પર્યાવરણીય તજજ્ઞોનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું .
જેમાં કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા, કચ્છ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણા, બન્ની ગ્રાસલેન્ડ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી બી. એમ. પટેલ તેમજ કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટારશ્રી તેજલ શેઠ તેમજ વિવિધ તજજ્ઞ હાજર રહ્યા હતા. શ્રી બી.એમ.પટેલ દ્વારા વન વિભાગની કામગીરીઓ અને તેના મહત્વો તેમજ વન વિભાગમાં કારકિર્દી વિશેની સંપૂર્ણ માહિતીઓ વિદ્યાર્થી સમક્ષ રજુ કરવામાં આવેલી હતી. શ્રી યુવરાજસિંહ ઝાલા દ્વારા ચેરના જંગલો તેના મહત્વ અને વન વિભાગની ચેર વાવેતર અંગેની કામગીરી અને તેના સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. શ્રી હરેશ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને જૈવ વિવિધતા અને તેને અસર કરતા પરિબળો વિશે “હ્યુમન ફૂટ પ્રિન્ટ” વિષય પર ખૂબ જ રસપ્રદ માહિતીઓ પીરસવામાં આવી હતી. તેમજ વિભાગ દ્વારા ક્વિઝ પણ યોજવામાં આવી હતી. જેમાં ક્વિઝમાં વિજેતા વિદ્યાર્થીઓને “ગીરનો સિંહ”, “the Majestic Lion of Gir” અને “Jewels of Gir” પુસ્તકોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત તજજ્ઞ ડો. પી.કે.મહેતા, ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, માંડવી દ્વારા બાયોડાયવર્સિટી અને તેની ઉપયોગિતા ઉપર સંક્ષિપ્ત સમજ અને એક્ટિવિટી દ્વારા સમજણ આપવામાં આવી હતી..
આર. આર. લાલન કોલેજના ડો. પ્રણવ પંડ્યા દ્વારા સમુદ્ર, તેનું પર્યાવરણીય મહત્વ અને ખાસ કરીને પ્લાસ્ટિક એક દૂષણ અને તેનું કઈ રીતે નિવારણ કરી શકાય તેના ઉપર વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.. દ્વિતીય દિવસે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે તે હેતુથી વન વિભાગ અને તેના સ્ટાફ દ્વારા ફિલ્ડ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જખૌ અને તેની આજુબાજુના મેન્ગ્રોવ(ચેર)ના વિસ્તારની વિઝીટમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા.. વન વિભાગના સ્ટાફ દ્વારા ફિલ્ડ ઉપર વન વિભાગ દ્વારા કઈ રીતે મેન્ગ્રોવ (ચેર)વાવેતર અને તેનું સંરક્ષણ કરવામાં આવે છે તેની સંપૂર્ણ અને તલસ્પર્શી માહિતી વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલી તેમજ વન વિભાગ દ્વારા બનાવેલા ‘નમોવડ’ વનની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી પ્રત્યે પણ સભાનતા કેળવાય તે હેતુથી પીંગલેશ્વર બીચ ખાતે બીચસફાઈ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અભૂતપૂર્વ પ્રસિદ્ધ પ્રતિસાદના ભાગરૂપે આશરે 400 થી 500 કિલો પ્લાસ્ટિકનું કલેક્શન વિદ્યાર્થીમિત્રો, કોલેજના અધ્યાપકમિત્રો અને વન વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ, ખરાઅર્થમાં ભારત સરકારના મિશન લાઈફના હેતુઓની સિધ્ધિ માટે વિદ્યાર્થીઓ ઊર્જા, પાણીના બચાવ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઘટાડવા સંકલ્પબદ્ધ થયેલ અને REUSE, REDUSE, RECYCLEના સુત્રને ચરિતાર્થ કરવા યથાશક્તિ આ યજ્ઞમાં આહુતિ આપવા પ્રતિબદ્ધિત થયા હતા.
રેન્જ ઉપરોક્ત કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે ફોરેસ્ટ અધિકારીશ્રી રાહુલભાઈ દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી બી. એન. દેસાઈ અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાથે જોડાયેલી જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાઓના ફેકલ્ટીઝ તેમજ વિદ્યાર્થીઓએ પણ આમાં સક્રિય રીતે ભાગ લઈ બે દિવસીય કાર્યશાળાનો કાર્યક્રમ સફળતાપૂર્વ પૂર્ણ કરેલો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના ઓનલાઈન પ્રતિભાવો મેળવવા આવેલા હતા. જેમાં વિદ્યાર્થીઓએ આ બે દિવસના કાર્યક્રમમાં ઘણી નવી બાબતો વિશે જાણકારી મેળવી શકયા તેમજ મેન્ગ્રુવ (ચેર)ના જંગલો પ્રત્યક્ષ અનુભવી શક્યા તે અંગે ખૂબ જ ખુશી વ્યકત કરી હતી. તેમજ તેઓના દ્રષ્ટિકોણમાં હકારાત્મકતા આવી હોવાની લાગણી વ્યકત કરી હતી.