બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ?

image

બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના દુષ્પરિણામોથી બચાવવા તેમજ ડિજિટલ સ્પેસમાં તેમની સુરક્ષા મજબૂત કરવા માટે સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ બૈજયંત `જય’ પાંડા દ્વારા `સેફ ગાર્ડિંગ હેલ્ધી ઇન્ટરનેટ એન્વાયરન્મેન્ટ્સ ફોર લિટલ ડિજિટલ-નેટિવ્સ’  બિલ,  2025  તૈયાર કરવામાં આવ્યું છે. માહિતી મુજબ આ બિલમાં બાળકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ, ડેટા પ્રાઇવસી,  ઓનલાઇન ગામિંગ અને પર્સનલાઇઝ્ડ જાહેરાતોને લઈને કડક નિયમો પ્રસ્તાવિત કરાયા છે. શિલ્ડ બિલમાં 18 વર્ષથી ઓછી વયની દરેક વ્યક્તિને સગીર ગણવામાં આવી છે.આ બિલની મુખ્ય જોગવાઈ મુજબ, 13 વર્ષથી નાની વયનાં બાળકો પોતાના માતા-પિતા કે વાલીની મંજૂરી વગર સોશિયલ મીડિયા કે ઓનલાઇન ગામિંગ પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ બનાવી શકશે નહીં.  ટેક કંપનીઓ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે નહીં કે તેમની પ્રોફાઇલિંગ પણ કરી શકશે નહીં. બાળકોની માહિતી માત્ર જરૂરી સેવાઓ પૂરી પાડવા પૂરતી જ મર્યાદિત રખાશે. જો એકાઉન્ટ 90 દિવસ સુધી નિક્રિય રહે અથવા વાલી વિનંતી કરે, તો તેનો ડેટા કાયમી ધોરણે ડિલિટ કરવો ફરજિયાત રહેશે. વાલીઓને એક ખાસ `પેરન્ટલ ડેશબોર્ડ’ અપાશે, જેનાથી તેઓ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે. પ્રાઇવસી સાટિંગ્સ સંભાળી શકશે અને ક્રીન ટાઇમ મર્યાદિત કરી શકશે. પ્લેટફોર્મ્સે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે બાળકો પોર્નોગ્રાફી, ઓનલાઇન સટ્ટાબાજી, હિંસક સામગ્રી અને ડ્રગ્સથી દૂર રહે.  બાળકોની ડિજિટલ સુરક્ષામાં બેદરકારી દાખવનાર ટેક કંપનીઓ સામે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે દરેક પ્લેટફોર્મ પર રિપોર્ટ ચાઇલ્ડ હાર્મ નામનું એક ખાસ બટન મૂકવું ફરજિયાત રહેશે. કોઈ પણ ફરિયાદ મળે ત્યારે કંપનીએ 24 કલાકમાં તેનો પ્રતિસાદ આપવો પડશે અને 48 કલાકની અંદર તે સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. બાળકો માટે નુકસાનકારક સામાન્ય સામગ્રીને 36 કલાકમાં અને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરિયલને માત્ર 24 કલાકની અંદર પ્લેટફોર્મ પરથી હટાવવું પડશે. જો કોઈ કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેના પર રૂા. 10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. વારંવાર કે જાણી જોઈને નિયમો તોડવા બદલ આઇટી એક્ટની કલમ 69-અ હેઠળ તે પ્લેટફોર્મને ભારતમાં અસ્થાયી રૂપે બ્લોક પણ કરી શકાશે.