ચોરેલી કાર લઈ તસ્કરો ચોરી કરવા પહોંચ્યા.ભરૂચના કરગટ ગામમાંથી કારની ચોરી કરી વડદલા ગામમાં ત્રાટક્યા, બે મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો પણ ખાલી હાથ જવું પડ્યું

ભરૂચના કરગટ ગામમાંથી ઇકો કારની ચોરી કરી તસ્કરો વડદલા ગામમાં ચોરી કરવા ત્રાટકયા હતા. તેઓએ એક મકાનને તોડતા અંદર કઈ હાથ ન લાગતા બીજું મકાન તોડવા જતાં ત્યાં ફળિયામાં જ રહેતો એક વ્યક્તિ બાઈક લઈને નીકળતા તસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતા.જોકે આ તસ્કરોની તમામ હરકતો ગામના સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ હતી.આ મામલે પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ, પણ ગ્રામજનો કડક પેટ્રોલીંગની માંગ કરી છે.
ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લે આમ ફરી રહ્યા છે.જી, હા વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા વડદલા ગામમાં 14 મી તારીખે વહેલી સવારે લગભગ 3 થી 5ના સમયગાળામાં એક ઈકો કાર લઈને તસ્કરો ત્રાટકયા હતા.જેમાં આ તસ્કરો આખાય ગામમાં ઈકો લઈને ફરીને રેકી કરી હતી.જેમાં ગામના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.પરંતુ તસ્કરોને તેમાંથી ખાલી હાથ બહાર આવવું પડ્યું હતું.
આ પછી તસ્કરોએ ગામના બીજા એક મકાનને નિશાન બનાવવા પહોંચ્યા હતા.પરતું કોઈ બાઈક સવાર ત્યાં આવી જતાં તેઓ ઈકો કાર લઈને ભાગી ગયા હતા.આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોમાં થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો ગામમાં રહેલા સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ હતી.આ મામલે કોઈ પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ પણ ગ્રામજનોએ “સી” ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ તસ્કરો જે ઇકો કાર લઈને આવ્યા હતા તે કરગટ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય, પાછા ગામના નાકે મૂકીને પલાયન થઈ હતા. ત્યારે હાલમાં તો ગ્રામજનોએ રાત્રીના કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે.