નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ : 15 લાખથી વધુ કિંમતનો સામાન બળીને ભશ્મ થયો

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીની દુકાનમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત, બે ફ્રીજ પણ બળીને ખાખ થઈ ગયા હતા. આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં રહેલી દુકાનમાં આગ લાગી હતી. શૈલેષભાઈ મકાનના બીજા માળ પર સુતા હતા. જેને લઇ તેઓને પણ આગની જાણ ન થઈ હતી. આગની 15 થી 20 મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેઓને બૂમ પાડી જણાવ્યું હતું કે તમારી દુકાનમાં આગ લાગી છે, જે જોઈ તેઓ તરત જ બહાર નીકળ્યા હતા, અને ઘરમાં રહેલા ચારેય વ્યક્તિઓએ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા, જોકે ભારે જહેમત બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા, અને ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના બે ફાયર બંબા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાન-હાનિ થવા પામી ન હતી. પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુ કિંમતનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો, ત્યારે નવા તવરા ગામે દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ ફરતા, ગામ લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ