ભરૂચની શ્રવણ ચોકડી નજીક સ્લીપ થયા બાદ બાઈક ડિવાઈડર સાથે ભટકાઈ, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત
ભરૂચ શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રીના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી. જેથી ડિવાઇડર સાથે અથડાતા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. જેથી યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરીવાર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યાં હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના શહેરના કંથારિયા માર્ગ પર આવેલી જિન્નત બંગ્લોઝમાં રહેતો 24 વર્ષીય સાહિલ સમીરભાઈ ગરાસીયા શ્રાવણ ચોકડી નજીક આવેલા ક્રોમા સેન્ટરમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગતરોજ તે બપોરના ક્રોમા સેન્ટરમાં નોકરી પર આવ્યો હતો. રાત્રીના સેન્ટરમાંથી છૂટયા બાદ પોતાની મોટર સાયકલ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો.
આ સમયે તે એચ.પી પેટ્રોલપંપથી શ્રવણ ચોકડી જતા પોતાની બાઇક સ્લીપ થઈ જતાં તે રોડ પર આવેલા ડિવાઈડર સાથે ભટકાયો હતો. જોકે, તે એટલી સ્પીડમાં હતો કે તેણે હેલ્મેટ પહેરેલ હોય તો પણ સાહિલને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ તેના પરિવાર સહિત તેના મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા ગયેલા તેના પિતા પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યાં હતા. બનાવ અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ