ભરૂચના નંદેલાવ વિસ્તારમાં ભાડુઆત તહેવારમાં બહાર ગામ ગયા અને તસ્કરોએ બંધ ઘરમાં હાથ સાફ કર્યો
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીના ભાડુઆતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ભાગી ગયા હતા.આ અંગેની જાણ થતાં જ મકાન માલિકે બહાર ગામ ગયેલા ભાડુઆતને જાણ કરતા તેઓએ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસના ડર વગર ખુલ્લે આમ ફરી રહ્યા છે.જેના સીસીટીવી ફુટેજ અવાર-નવાર સામે આવી રહ્યા છે.ત્યારે શહેરી વિસ્તારોમાં ખુલ્લે આમ ફરતાં તસ્કરોના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.ત્યારે નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકયા હતા.જેમાં બુસા સોસાયટીના બી 36 નંબરના મકાનના માલિક ચૈતાલી પંડ્યાએ તેમના મકાનનો ઉપરનો ભાગ અન્યને ભાડે આપ્યો છે અને મકાન માલિક નીચેના ભાગે રહે છે.મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડુઆત હોળીનો તહેવાર હોઇ વતનમાં ગયા હોય મકાન બંધ હતું.આ દરમિયાન મકાનમાં રહેતા ભાડુઆતની ગેરહાજરીનો લાભ લઇને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું.જેમાં તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા. આ અંગેની જાણ મકાન માલિકે ભાડુઆતને કરતા તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.જોકે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ હતી.જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા છે.ત્યારે રહીશો આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલીંગની માગ કરી રહ્યા છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ